Navsari News: નવસારી જિલ્લામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 (કસ્બાપાર-વિરાવળ-નવસારી રોડ) પરનો પૂર્ણા નદી બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે આગામી 13 જાન્યુઆરી, 2026 સુધી બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોની સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ષ 1978માં નિર્માણ પામેલો આ બ્રિજ હાલ 47 વર્ષ જૂનો
વર્ષ 1978માં નિર્માણ પામેલો આ બ્રિજ હાલ 47 વર્ષ જૂનો છે. વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ પર તાજેતરમાં બનેલી દુર્ઘટનાને ધ્યાને લેતા, ગાંધીનગરના ડિઝાઈન સર્કલના અધિકારીઓની હાજરીમાં આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, બ્રિજની સ્થિતિ 'જર્જરિત' જણાતા, ભારે વાહનોની અવરજવર માટે તેને તાત્કાલિક બંધ કરવો હિતાવહ હોવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ સૂચનના આધારે, નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી. ઝાલાએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(બી) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, ભારે વાહનો, એસ.ટી. બસ તેમજ અન્ય તમામ હેવી મોટર વ્હીકલની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જોકે, ફક્ત લાઈટ મોટર વ્હીકલ અને લાઈટ ઈમરજન્સી વ્હીકલ જેવા હળવા વજનના વાહનોની અવરજવર ચાલુ રહેશે.
ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગો નીચે મુજબ જાહેર કરવામાં આવ્યા છે
- સુરત તથા સચિન (SH-6)થી નવસારી તરફ આવતા ભારે વાહનો માટે
- સુરત-સચિન તરફથી આવતા ભારે વાહનો મરોલી-વેસ્મા રોડ-ને.હા.નં. 48-ગ્રીડ થઈ નવસારી શહેરમાં પ્રવેશ કરી શકશે.
- સુરત-સચિન તરફથી આવતા ભારે વાહનો કસ્બાપાર ત્રણ રસ્તા -આમરી-ધોળાપીપળા-ને.હા. નં-48- ગ્રીડ થઈ નવસારી શહેરમાં પ્રવેશ કરી શકશે.
- નવસારીથી સુરત તથા સચિન (SH-6) તરફ જતાં ભારે વાહનો માટે
- સુરત, સચિન તરફ જવા માટે વિવેકાનંદ સર્કલથી ગ્રીડ-ને.હા.48-વેસ્માથી મરોલી રોડનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકશે.
- સુરત, સચિન તરફ જવા માટે વિવેકાનંદ સર્કલથી ગ્રીડ-ને.હા.48 -ધોળાપીપળાથી આમરી- કસ્બાપાર ત્રણ રસ્તા થઈ સુરત તરફ જઈ શકશે.
આ જાહેરનામું આગામી તા. 13 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-163 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
વાંસદાના ખાંભલાથી બિલમોડા ગામને જોડતો કોઝ-વે પર ભારે વાહનો માટે પ્રતિબંધ
વાંસદા તાલુકાના ખાંભલાથી બિલમોડા ગામને જોડતા ચેકડેમ કમ કોઝ-વે પર ભારે વાહનોની અવરજવર પર આગામી 12 જાન્યુઆરી 2026 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાવેરી નદી પરના હાલના નબળા ચેકડેમ કમ કોઝ-વેની જગ્યાએ ઉચ્ચ સ્તરીય મેજર બ્રિજ બનાવવાની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે, જેનું નિર્માણ કાર્ય 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી. ઝાલા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ભારે વાહનચાલકોએ ખાંભલાથી ઉગા (જિ. ડાંગ), વાનરચોંડ, ડોકપાતાળ, જામલાપાડા, બારખાંધ્યા થઈ હડકાઈચોંઢ (મહારાષ્ટ્ર) અને ત્યાંથી SH-22 રોડ (મહારાષ્ટ્ર) દ્વારા બિલમોડા પહોંચવાના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.
