Navsari Crime News: નવસારીના બીલીમોરામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક માતાએ તેના બે નાના બાળકોને મધ્યરાતે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી એટલું જ નહી તેના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,
મહિલાએ તેના બે નાના બાળકોની ગળું દબાવીને હત્યા
મળતી માહિતી મુજબ બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. રાત્રીના સમયે મહિલાએ તેના બે નાના બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. બાળકોની હત્યા બાદ મહિલાએ તેના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે સસરા ભાગી છૂટ્યા હતા.
મહિલા ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કરી રહી હતી જેથી પોલીસે તેને અટકાવીને પકડી લીધી
બીજી તરફ ત્યાં બુમાબુમ થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. લોકો એકઠા થઇ જતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની ટીમ દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે મહિલા ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કરી રહી હતી જેથી પોલીસે તેને અટકાવીને પકડી લીધી છે
હાલ પોલીસે બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાએ પોતાના બે બાળકોની હત્યા કેમ કરી તે મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી.
