Navsari: નવસારી જિલ્લાની ચીખલી પોલીસે નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. જેમાં મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પામાંથી અંદાજિત રૂ. 50 લાખની બિનહિસાબી રોકડ કબજે કરવામાં આવી છે.
ચાર મીણીયાના થેલામાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળયા
હકીકતમાં ચીખલી પોલીસની ટીમ NH-48 પર પેટ્રોલિંગમાં હતી. આ સમયે ઓવર બ્રિજ નજીક વલસાડ તરફથી આવતો આઈસર ટેમ્પો શંકાસ્પદ લાગતા તેને અટકાવ્યો હતો. ડ્રાઈવર ગૌરીશંકર પરમાર અને ક્લીનર પ્રમોદસિંહ પરમારની પૂછપરછ કરીને ટેમ્પામાં તલાસી લેતા ચાર મીણીયાના થેલામાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા.
આ રોકડ અંગે પૂછતાં ડ્રાઈવરે જણાવ્યું કે, તે મુંબઈ સ્થિત સૂર્યા લોજિસ્ટિક નામની કંપનીમાં નોકરી કરે છે. આ પાર્સલો સુરત, અમદાવાદ અને રાજકોટની ઑફિસમાં પહોંચાડવાના હતા.
આથી પોલીસે ટેમ્પોમાં રહેલા અંદાજે 30 જેટલા નાના-મોટા પાર્સલો ખોલી ગણતરી કરતાં કુલ 50 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. જેમાં 10 રૂપિયાની 2.28 લાખ નોટો (22.80 લાખ રૂપિયા), 20 રૂપિયાની 1.16 લાખ નોટો (23.20 લાખ રૂપિયા) અને 50 રૂપિયાની 8 હજાર નોટો (4 લાખ રૂપિયા) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બંધ થયેલી 2,000 રૂપિયાની 18 નોટો પણ મળી આવી હતી. આ રોકડ અંગે ટ્રાન્સપોર્ટ મેનેજર કનુભાઈ પરસોત્તમદાસ પટેલ (રહે. વાપી) તરફથી કોઈપણ પ્રકારના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં ન આવતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106(1) હેઠળ સમગ્ર રકમ જપ્ત કરી છે.
આ મામલે વધુ તપાસ માટે આયકર વિભાગને જાણ કરવામાં આવી છે. હાલમાં પોલીસે ટેમ્પો અને અન્ય સામાનને શરતી રીતે મુક્ત કર્યો છે, જ્યારે ડ્રાઈવર, ક્લીનર અને મેનેજરને તપાસમાં સતત સહકાર આપવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
