Palanpur: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01-01-2026ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તે મુજબ તા. 19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
જે બાદ તા. 19-12-2025થી તા. 30-01-2026 સુધી મતદારોને હક્ક દાવા અને વાંધાઓ રજૂ કરવા માટે સમયગાળો આપવામાં આવ્યો હતો. તા. 19-12-2025થી તા. 10-02-2026 દરમિયાન જિલ્લાના સંબંધિત વિધાનસભા મત વિસ્તારોના મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રજૂ થયેલા તમામ હક્ક દાવા અને વાંધાઓ અંગે નોટિસ આપી સુનાવણી હાથ ધરીને નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને તા.17-02-2026ના રોજ અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 17,77,657 અને વાવ-થરાદ જિલ્લામાં 8,47,295 એમ કુલ મળી 26,24,952 મતદારો હતા. જેમાંથી મરણ, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામ જેવા કારણોસર કુલ 2,19,627 મતદારોના નામ સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિયમ મુજબ કમી કરવામાં આવ્યા હતા.
જેના આધારે તા. 19-12-2025ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદારયાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં 16,03,307 અને વાવ-થરાદ જિલ્લામાં 8,02,018 એમ કુલ મળી 24,05,325 મતદારો હતા.
તેમણે જણાવ્યું કે, તા. 17-02-2026ના રોજ પ્રસિદ્ધ થયેલી અંતિમ મતદારયાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ 16,15,102 અને વાવ-થરાદ જિલ્લામાં કુલ 8,11,087 એમ કુલ 24,26,189 મતદારોનો સમાવેશ થયો છે. જેના આધારે બનાસકાંઠા જિલ્લામાં 11,795 અને વાવ-થરાદ જિલ્લામાં 9,069 મતદારોનો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, અંતિમ મતદારયાદીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ 9 વિધાનસભા મત વિસ્તારના મતદારો પોતાનું નામ તપાસી શકે તે માટે બંને જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા સૂચિત અન્ય જાહેર સ્થળોએ અંતિમ મતદારયાદી ઉપલબ્ધ રાખવામાં આવી છે. ઉપરાંત, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વેબસાઈટ તથા વોટર પોર્ટલ પર પણ અંતિમ મતદારયાદી ઉપલબ્ધ રહેશે.
