UpdatedIST

Banaskantha: પર્યાવરણ સુરક્ષા સાથે આર્થિક બચત માટે માળી સમાજની પ્રેરણાદાયી પહેલ, વિના મૂલ્યે વાસણ બેંકથી થશે પર્યાવરણનો બચાવ

સામાજિક પ્રસંગ માટે 20,000 સ્ટીલના વાસણોનો સેટ ખરીદી માળી સમાજ પ્લાસ્ટિકને આપશે તિલાંજલિ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 08 Feb 2026 12:05 AM (IST)Updated: Sun 08 Feb 2026 12:05 AM (IST)
banaskantha-mali-community-launches-free-utensil-bank-to-reduce-plastic-waste-687948
HIGHLIGHTS
  • ડીસા ખાતે 25માં રજત જયંતિ સમુહ લગ્નોત્સવમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય
  • વન અને પર્યાવરણ મંત્રીની પ્રેરણાથી માળી સમાજની અનોખી પહેલ

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માળી સમાજ દ્વારા આયોજિત 25મા રજત જયંતી સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં માળી સમાજે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અને આર્થિક બચતને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ શરૂ કરી છે.

સમાજ દ્વારા જાહેર પ્રસંગો, લગ્નોત્સવો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં વપરાતા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લાસ અને થાળીઓના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરવાની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.

આ નિર્ણય અંતર્ગત માળી સમાજ દ્વારા 20,000 સ્ટીલના વાસણોનો સેટ ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં થાળી, ગ્લાસ અને કટોરીનો સમાવેશ થાય છે. આ વાસણોના સંચાલન અને જતન માટે એક અદ્યતન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ સેન્ટરમાંથી સમાજનો કોઈપણ વ્યક્તિ પોતાના લગ્ન, સગાઈ, સમારંભ અથવા અન્ય સામાજિક પ્રસંગો માટે કોઈપણ પ્રકારના ચાર્જ વગર વાસણો મેળવી શકશે.

આ વ્યવસ્થાથી પ્લાસ્ટિકના કચરામાં નોંધપાત્ર ઘટાડો થશે તેમજ દર વર્ષે પ્રસંગો પાછળ થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચમાં પણ બચત થશે.

આ કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ ઉપસ્થિતોને પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતાના સંદેશ માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવા સામૂહિક પ્રયાસો પર્યાવરણ સુરક્ષા સાથે સમાજમાં એકતા અને જવાબદારીની ભાવના પણ મજબૂત બનાવે છે. માળી સમાજનો આ નિર્ણય અન્ય સમાજો અને સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી અને દિશાસૂચક સાબિત થશે.