બનાસકાંઠામાં કાનૂની જાગૃતિનો નવો અધ્યાય: છેવાડાના માનવી સુધી પહોંચશે ‘મલ્ટી-યુટિલિટી વ્હીકલ’

આ પહેલથી સામાન્ય જનતાને કાનૂની ગૂંચવણો ઉકેલવામાં મદદ મળશે અને ન્યાયિક પ્રક્રિયા અંગેની સાક્ષરતામાં વધારો થશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 08 Apr 2026 12:05 AM (IST)Updated: Wed 08 Apr 2026 12:05 AM (IST)
banaskantha-news-legal-aid-reaches-villages-muv-launched-in-banaskantha-for-awareness-drive-723666
HIGHLIGHTS
  • NALSA દ્વારા બનાસકાંઠાને અત્યાધુનિક MUV વાહનની ભેટ
  • ગામડે-ગામડે મફત કાનૂની સહાયનો થશે પ્રસાર

Banaskantha: ન્યુ દિલ્હી સ્થિત નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદને ફાળવવામાં આવેલ ખાસ ‘મલ્ટી-યુટિલિટી વ્હીકલ’ હવે બનાસકાંઠા જિલ્લામાં કાનૂની જાગૃતિનો સંદેશ વહેતો કરશે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠાને આ અત્યાધુનિક વાહન સુપરત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાગૃતિના અભિયાનને વેગ આપવા અને કાનૂની પ્રવૃત્તિઓને છેવાડાના વિસ્તારો સુધી વિસ્તારવાનો છે.

આ પ્રસાર વાહન ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વાહનના માધ્યમથી લોકોને તેમના પાયાના કાનૂની અધિકારો, સરકારની મફત કાનૂની સહાયની વિવિધ યોજનાઓ અને લોક અદાલતના ફાયદાઓ વિશે સ્થળ પર જ વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ વાહન આધુનિક પ્રસાર સુવિધાઓથી સજ્જ હોવાથી, ફિલ્ડમાં કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન વધુ અસરકારક અને પરિણામલક્ષી બનશે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સચિવના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આ વાહન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભ્રમણ કરશે. આ પહેલથી સામાન્ય જનતાને કાનૂની ગૂંચવણો ઉકેલવામાં મદદ મળશે અને ન્યાયિક પ્રક્રિયા અંગેની સાક્ષરતામાં વધારો થશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે બનાસકાંઠાના નાગરિકોને ઘરઆંગણે જ કાયદાકીય માર્ગદર્શન સરળતાથી મળી રહેશે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે.