ઉત્તર ગુજરાતમાં મેઘો જામ્યોઃ 8 ઈંચ ધોધમાર વરસાદમાં ભાભર-દિયોદર જળમગ્ન, ખેતરો બેટમાં ફેરવાયા; ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ભાભર અને દિયોદર જળમગ્ન બન્યા છે, 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ છે અને ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી પડી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Jul 2026 08:58 PM (IST)Updated: Fri, 24 Jul 2026 08:58 PM (IST)
gujarat-rain-report-heavy-rainfall-in-banaskantha-and-vav-tharad-diyodar-and-bhabhar

Gujarat Rain Report: અષાઢ મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ જામ્યા બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા હતા. જેના પરિણામે વલસાડ, સુરત અને નવસારીના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે ગઈકાલથી મેઘરાજાએ ઉત્તર ગુજરાત તરફ મીટ માંડી હોય તેમ અમદાવાદને ઘમરોળ્યા બાદ આજે પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને રીતસરના ઘમરોળી રહ્યા છે.


વાવ-થરાદ જિલ્લો જળબંબાકાર, કાલે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં વાવ-થરાદ પંથકમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, દિયોદર તાલુકામાં સૌથી વધુ 213 મી.મી. (8.39 ઈંચ) વરસાદ નોંધાયો છે. ભાભર તાલુકામાં પણ ધોધમાર 200 મી.મી. (7.87 ઈંચ) વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આ ઉપરાંત સુઈગામમાં 101 મી.મી. (3.98 ઈંચ), થરાદમાં 69 મી.મી. (2.72 ઈંચ) અને વાવમાં 42 મી.મી. (1.65 ઈંચ) વરસાદ નોંધાયો છે. લાખાણીમાં 38 મી.મી. (1.5 ઈંચ), ધરણીધરમાં 32 મી.મી. (1.26 ઈંચ) અને રાહમાં 9 મી.મી. (0.35 ઈંચ) વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં બે દાયકાનો ઐતિહાસિક વરસાદઃ 20 ઈંચથી વધુ વરસાદ વચ્ચે AMC દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ, પાણીના નિકાલ અને સફાઈ અભિયાન

ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ

દિયોદરમાં લાંબા વિરામ બાદ પડેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ અવિરત સાંબેલાધાર વરસાદ પડવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં મગફળી, જુવાર અને એરંડા જેવા ઉભા પાકો પાણીમાં ગરક થઈ જતાં ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ખેતરો ઉપરાંત દિયોદરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ આદર્શનગર હાઈસ્કૂલ રોડ, કર્મચારીનગર સોસાયટી અને અંબિકાનગર સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.

દિયોદરના લક્ષ્મીપુરામાં વરસાદી પાણી વચ્ચે ફસાયેલા 50 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતી કાલે પણ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

ભાભરમાં દુકાનોમાં પાણી ઘુસતા માલ પલળતો બચાવવા વેપારીઓની દોડધામ

ભાભરમાં પણ આજે સવારથી પોણા 8 ઈંચ જેટલો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. એકધારા પડી રહેલા ભારે વરસાદના કારણે ભાભરના મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લાટી બજાર, સોની બજાર અને મેઈન માર્કેટમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ પોતાનો માલ પલળતો બચાવવા માટે ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા હતા. આ સિવાય ભાભરની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે.

 

 

બનાસકાંઠાના દાંતીવાડામાં મેઘરાજાની તોફાની ઈનિંગ્સઃ NDRF-SDRF ટીમો સ્ટેન્ડબાય

વાવ-થરાદની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાતે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ 180 મી.મી (7.09 ઈંચ) ધોધમાર વરસાદ દાંતીવાડા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, ડીસામાં 127 મી.મી. (5 ઈંચ) અને ઓગડ તાલુકામાં 120 મી.મી. (4.72 ઈંચ) વરસાદ નોંધાતા નદી-નાળામાં નવા પાણીની આવક થઈ છે. હડદમાં 113 મી.મી. (4.45 ઈંચ) વરસાદ પડ્યો છે.

જ્યારે ધાનેરામાં 64 મી.મી. (2.52 ઈંચ), કાંકરેજમાં 62 મી.મી. (2.44 ઈંચ), વડગામમાં 49 મી.મી. (1.93 ઈંચ) અને અમીરગઢમાં 46 મી.મી. (1.81 ઈંચ) વરસાદ નોંધાયો છે. દાંતામાં 33 મી.મી. (1.3 ઈંચ) અને જિલ્લા મથક પાલનપુરમાં 10 મી.મી. (0.39 ઈંચ) વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલનપુરમાં NDRF અને SDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.