Jay Ambe Tithi Bhojan Yojana: ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. યાત્રિકોની સુવિધામાં વધારો કરતા, દાતાશ્રીઓના સહયોગથી અંબાજી ખાતે નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા ‘અંબિકા અન્નક્ષેત્ર’ દ્વારા શરૂ કરવામાં આવી છે.
હાલમાં ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે યાત્રાળુઓને દરરોજ સવારે 10:30 થી બપોરે 3:00 કલાક સુધી અને સાંજે 6:00 થી રાત્રે 9:30 કલાક સુધી ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.
ભોજનના મેનુમાં સવારે પૂરી-રોટલી, બટાકાનું શાક, મિક્સ શાક, દાળ-ભાત અને પાપડ, જ્યારે રાત્રિના સમયે ભાખરી-રોટલી, બટાકાનું મિક્સ શાક, કઢી-ખીચડી અને પાપડ પીરસવામાં આવે છે.
વિશેષમાં, દર રવિવારે તેમજ આઠમ અને પૂનમના પવિત્ર દિવસોએ મિષ્ટાનમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં અંદાજે 6,000 જેટલા ભક્તો અને રવિવાર કે પૂનમ જેવા દિવસોએ 7,000 થી 8,000 જેટલા શ્રદ્ધાળુઓ આ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.
ટ્રસ્ટ દ્વારા ‘જય અંબે તિથિ ભોજન’ નામની એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે દાતાશ્રી એક દિવસના રૂા. 1,51,000/- (એક લાખ એકાવન હજાર) નું દાન અર્પણ કરશે, તેઓ આજીવન તે નિશ્ચિત તિથિ કે તારીખના દાતા તરીકે ગણાશે.
દર વર્ષે તે તિથિએ ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે દાતાશ્રીના નામની તકતી લગાવીને પ્રસિદ્ધિ કરવામાં આવશે. જો કોઈ દાતા એકથી વધુ દિવસ માટે જોડાવા માંગતા હોય, તો તેઓ રૂા. 1,51,000/- ના ગુણાંકમાં દાન ભેટ આપી શકશે.
‘અન્નદાન એ સૌથી મોટું દાન’ છે તે ઉમદા ભાવના સાથે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તોને આ યોજનામાં આજીવન દાતા તરીકે જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યોજનાના આગોતરા આયોજન માટે મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નક્કી થયા મુજબ, આગામી ફાગણ સુદ-1 ને બુધવાર, તારીખ 18-02-2026 ના રોજ સવારે 11:00 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે ‘જય અંબે તિથિ ભોજન’ યોજનાનો શુભારંભ તેમજ દાતાશ્રીઓના નોંધણી અને સન્માનનો કાર્યક્રમ યોજાશે.
