ઉત્તર ગુજરાતમાં મેઘમહેર: વાવ-થરાદના દિયોદરમાં 6 ઇંચ વરસાદ, પાટણ અને બનાસકાંઠામાં પણ ભારે બેટિંગ

વાવ-થરાદ પંથકમાં મેઘરાજા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. દિયોદર તાલુકામાં માત્ર 4 કલાકમાં જ 153 મિલીમીટર એટલે કે 6.02 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 24 Jul 2026 11:27 AM (IST)Updated: Fri, 24 Jul 2026 12:54 PM (IST)
north-gujarat-heavy-rain-deodar-records-6-inches-banaskantha-patan-vav-tharad-monsoon-update
ઉત્તર ગુજરાત વરસાદ

North Gujarat Heavy Rain: રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદ પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા 24 જુલાઈ 2026 ના રોજ સવારે 06:00 થી 10:00 વાગ્યા સુધીના ચાર કલાકના આંકડા મુજબ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાવ-થરાદ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારના ચાર કલાકમાં 6 ઈંચ સુધી વરસાદ નોંધાતા પાણી પાણી થઈ ગયા છે.

વાવ-થરાદ અને બનાસકાંઠામાં જળબંબાકાર

વાવ-થરાદ પંથકમાં મેઘરાજા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. દિયોદર તાલુકામાં માત્ર 4 કલાકમાં જ 153 મિલીમીટર એટલે કે 6.02 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય ભાભર તાલુકામાં 125 મિલીમીટર (4.92 ઇંચ) અને સુઈગામમાં 55 મિલીમીટર (2.17 ઇંચ) વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં હડાદ ખાતે 71 મિલીમીટર (2.80 ઇંચ), ઓગડમાં 49 મિલીમીટર (1.93 ઇંચ) અને કાંકરેજમાં 45 મિલીમીટર (1.77 ઇંચ) વરસાદ પડ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે વડગામ (0.83 ઇંચ), દાંતા (0.59 ઇંચ), અને ડીસા (0.55 ઇંચ) માં પણ વરસાદી માહોલ રહ્યો હતો.

પાટણ અને અરવલ્લીમાં પણ અનરાધાર વરસાદ

પાટણ જિલ્લામાં પણ સવારથી જ મેઘસવારી જોવા મળી હતી. રાધનપુર તાલુકામાં 79 મિલીમીટર (3.11 ઇંચ) અને સાંતલપુર તાલુકામાં 75 મિલીમીટર (2.95 ઇંચ) વરસાદ નોંધાયો છે. જિલ્લાના હારીજ (1.42 ઇંચ) અને ચાણસ્મા (1.38 ઇંચ) તાલુકાઓમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ધનસુરામાં 70 મિલીમીટર (2.76 ઇંચ) અને સાઠંબામાં 50 મિલીમીટર (1.97 ઇંચ) વરસાદ પડ્યો છે. બાયડ તાલુકામાં પણ 1.30 ઇંચ વરસાદ સાથે મેઘમહેર થઈ છે.

મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ

મહેસાણા જિલ્લામાં સવારના સમયે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. કડીમાં 37 મિલીમીટર (1.46 ઇંચ) અને બેચરાજીમાં 36 મિલીમીટર (1.42 ઇંચ) વરસાદ નોંધાયો છે. વિસનગર (1.34 ઇંચ) અને મહેસાણા શહેર (1.22 ઇંચ) માં પણ નોંધપાત્ર વરસાદ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં તલોદમાં 30 મિલીમીટર (1.18 ઇંચ) અને વડાલીમાં 28 મિલીમીટર (1.10 ઇંચ) વરસાદ નોંધાયો છે. ઈડર તાલુકામાં પણ 1.02 ઇંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકો 48 મિલીમીટર (1.89 ઇંચ) વરસાદ સાથે મોખરે રહ્યો છે, જ્યારે માણસા અને ગાંધીનગર શહેરમાં અનુક્રમે 1.06 ઇંચ અને 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં આ સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે, જોકે ભારે વરસાદને પગલે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં વાહન વ્યવહાર પર મામૂલી અસર જોવા મળી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.