વાવ-થરાદ જિલ્લાને મળી નવી ઓળખ, થરાદ ખાતે RTO કચેરીનો પ્રારંભ, હવે વાહનો પર લખાશે GJ-40

વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે મોટા સમાચાર! થરાદ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (GJ-40) કાર્યરત. લાયસન્સ અને પાસિંગ સેવાઓ હવે સ્થાનિક સ્તરે જ મળશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 22 Jul 2026 08:09 PM (IST)Updated: Wed, 22 Jul 2026 08:09 PM (IST)
rto-office-inaugurated-at-tharad-vehicles-to-now-bear-the-gj40-code

Tharad RTO Office Update: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોની સુવિધા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓને સાંકળીને રચાયેલા નવા વાવ-થરાદ જિલ્લાના નાગરિકોને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ હવે ઘરઆંગણે મળશે. 22 જુલાઈ, 2026થી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)નો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

કયા તાલુકાઓને મળશે સીધો લાભ?

હવેથી વાહન તથા લાયસન્સ સંબંધિત કામકાજ માટે પાલનપુર કે દૂર જવાની જરૂર રહેશે નહીં. આ નવી કચેરીથી નીચેના 8 તાલુકાઓને સીધો ફાયદો થશે, જેમાં દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર સામેલ છે.

RTO કચેરીનું સરનામું

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, મુ. બુઢનપુર, થરાદ-સાંચોર હાઇવે, થરાદ, જી. વાવ-થરાદ.

કઈ-કઈ સેવાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે?

હવેથી વાવ-થરાદ જિલ્લાના નાગરિકોને નવી કચેરી ખાતેથી નીચે મુજબની તમામ સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે મળશે.

વાહન સેવાઓ: નવા વાહનની નોંધણી (Registration) અને 'GJ-40' નંબર, વાહન માલિકી ફેરફાર (Ownership Transfer), સરનામું સુધારણા અને ફેન્સી નંબર પસંદગી.

નાણાકીય અને ટેક્સ સેવાઓ: હાઇપોથેકેશન (HP) ઉમેરવું / રદ કરવું, વાહન વેરો (Road Tax) ભરપાઈ કરવો તથા ઈ-ચલણની ચૂકવણી.

લાયસન્સ સેવાઓ: લર્નિંગ લાયસન્સ, પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ અને કંડક્ટર લાયસન્સ સંબંધિત તમામ કામગીરી.

નાગરિકો માટે શું બદલાશે?

આ નવી કચેરી શરૂ થવાથી વાવ-થરાદ જિલ્લાના હજારો નાગરિકોના સમય, ઇંધણ અને નાણાંની મોટી બચત થશે. સાથે જ વાહન વ્યવહાર ક્ષેત્રે કામગીરી વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે.