Unique Pre-Wedding in Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક અનોખા અને પ્રેરણારૂપ પ્રિ-વેડિંગ શૂટની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સામાન્ય રીતે લગ્ન પહેલા યુગલો ગોવા, ઉદયપુર કે વિદેશી લોકેશન પર ફોટોશૂટ માટે જતા હોય છે, પરંતુ મીત વ્યાસ અને બંસરી નામના આ નવયુગલે માનવતાની મહેક ફેલાવવા માટે પાલનપુર સિવિલ હોસ્પિટલની પસંદગી કરી છે.

હોસ્પિટલના બિછાને સેવાનો સંદેશ
મીત અને બંસરીએ પોતાના પ્રિ-વેડિંગ શૂટને માત્ર યાદગાર બનાવવા માટે નહીં, પરંતુ સમાજને કંઈક નવું શીખવવા માટે આયોજિત કર્યું હતું. તેઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે કોઈ કૃત્રિમ પોઝ આપવાને બદલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. આ યુગલે દર્દીઓ સાથે વાતચીત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમને ફળ તેમજ જરૂરી વસ્તુઓની કિટનું વિતરણ કર્યું હતું.

કેમ પસંદ કરી સિવિલ હોસ્પિટલ?
આ નવયુગલનું માનવું છે કે લગ્ન એ જીવનનો સૌથી પવિત્ર પ્રસંગ છે અને તેની શરૂઆત જો કોઈના આશીર્વાદ અને સેવાથી થાય તો તેનાથી ઉત્તમ બીજું કંઈ હોઈ શકે નહીં. "સેવા પરમો ધર્મ"ના સૂત્રને સાર્થક કરતા મીત અને બંસરીએ જણાવ્યું હતું કે, બંસરીએ જણાવ્યું કે, એક્ચ્યુલીમાં આ આઈડિયા મારા સાસરી પક્ષ તરફથી હતો અને મારા મમ્મી પપ્પાએ પણ આ આઈડિયાને વધાવ્યો અને કહ્યું કે હા આ એક સારી વસ્તુ છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જેમ આ પ્રીવેડિંગની ને બધી પશ્ચિમીય સંસ્કૃતિ છે પણ ભારતીય સંસ્કૃતિ જે છે એના માટે આપણે આ પરોપકારની ભાવના આપણે રાખવી જોઈએ અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રીવેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી જેમના માટે આ બધું કરવું અશક્ય છે. એ લોકોના માટે અમે લોકોએ ફ્રુટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે અને એના માટે અમે લોકો અહીંયા આજે બનાસ મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં અમે લોકોએ ફ્રુટ્સ અને એનું વિતરણ કરીને આ એક સારો સંદેશ સમાજને મળે એના માટેની અમારી ભાવના છે.

મિત વ્યાસે જણાવ્યું કે, આ વસ્તુની અમે ડિસ્કશન બહુ સમયથી કરી રહ્યા હતા કે, આપણે કોઈ રીતે દાન ધર્મ કરીને અમારું પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવું છે. તો લોકો અલગ અલગ રીતે પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેટ કરતા હોય છે શૂટ કરાવીને વગેરે રીતે. અમે એક યુનિક રસ્તો વિચાર્યો કે અમે આપણાથી જરૂરિયાતમંત લોકોને મદદ કરી અને પ્રી વેડિંગ સેલિબ્રેટ કરીએ અને એના માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ હતો કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રુટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા નથી એમને આપણે ફ્રુટ કીટ બિસ્કિટ તે વિતરણ કરીએ, જે લોકોને બે ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાવીએ, જે શિયાળાની ઋતુ છે જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબળા વગેરેનું વિતરણ કરીને અમે આ એક પરોપકારનું કાર્ય કરવા માંગતા હતા.

પી જે ચૌધરી (બનાસ મેડિકલ ચેરમેન ) નું નિવેદન
આ યુગમાં લગ્ન કરવા જઈ રહેલા આ દીકરા દીકરી જે સેવા સાથે પ્રિવેડિંગ નો આઈડિયા ખુબ સરહનીય છે. જો કે લગ્ન જીવનના પહેલાના દિવસો ને"લોકોની સેવા" સાથે યાદગાર બનાવવા આ નવ યુગલે માત્ર સિવિલ હોસ્પીટલમાં જ નહીં પરંતુ પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત ભોજન રથમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પણ પીરસ્યુ. તો સાથે સાથે શિયાળા ની કડકડતી ઠંડી વચ્ચે ઠુંઠવાટતા લોકોને ધાબળા વિતરણ સાથે ગૌ શાળામાં બીમાર ગાય માતાઓ ની સેવા કરી અનોખું પ્રિવેડિંગ શૂટ કરી સમાજના લોકોએ પરોપકારી સેવા તરફ પ્રેરવા પ્રયાસ કર્યો છે.

સોશિયલ મીડિયા પર પ્રશંસાની સરવાણી
આ અનોખા પ્રિ-વેડિંગ શૂટના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો આ જોડીના વારણાં લઈ રહ્યા છે. નેટિઝન્સ કહી રહ્યા છે કે દેખાડો કરવા પાછળ લાખો રૂપિયા ઉડાવવા કરતા આ પ્રકારે જરૂરિયાતમંદોની મદદ કરવી એ જ સાચું સેલિબ્રેશન છે.

સમાજ માટે એક નવી દિશા
બનાસકાંઠાના આ યુગલે એ સાબિત કરી દીધું છે કે પ્રિ-વેડિંગ શૂટ એટલે માત્ર રોમેન્ટિક પોઝ નથી, પણ તે એક માધ્યમ બની શકે છે સામાજિક જવાબદારી અદા કરવાનું. સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓએ પણ આ નવદંપતીના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. આ ઘટનાએ લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ સામે એક અનોખો અને માનવીય વિકલ્પ રજૂ કર્યો છે, જે આવનારા સમયમાં અન્ય યુગલો માટે પણ દિશાસૂચક બનશે.
