UpdatedIST

વાવ થરાદને મળશે અદ્યતન 'જિલ્લા સેવા સદન'; રૂ. 70 કરોડના ખર્ચે નિર્માણ, CM પટેલે કર્યું ભૂમિપૂજન

થરાદ ખાતે નિર્માણ પામનાર જિલ્લા સેવા સદનથી જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ મળશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 25 Jan 2026 12:10 PM (IST)Updated: Sun 25 Jan 2026 12:10 PM (IST)
vav-tharad-jilla-seva-sadan-the-foundation-stone-laying-ceremony-by-cm-bhupendra-patel-679442
HIGHLIGHTS
  • વાવ થરાદ જિલ્લાને મળશે પોતાનું અદ્યતન જિલ્લા સેવા સદન
  • રૂ. 70 કરોડના ખર્ચે નિર્માણ, 39 એકરમાં ફેલાયેલું હશે ભવન
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન અને તકતી અનાવરણ

Vav-Tharad Jilla Seva Sadan: નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને રાજ્ય સરકાર તરફથી વિકાસની મોટી ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કર્યું હતું. આ નવું નિર્માણ થનારું સેવા સદન જિલ્લાના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે. 

વાવ થરાદને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન  

નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનનું નિર્માણ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ અભિગમને આગળ ધપાવતા નવ સર્જિત વાવ-થરાદ જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે નિર્માણ પામનાર જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. અંદાજે રૂપિયા 70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં તૈયાર થનારા જિલ્લા સેવા સદનના ભૂમિ પૂજન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

તમામ સેવાઓનું વન-સ્ટોપ સોલ્યુશન

આ નવા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 30થી વધુ જિલ્લા સ્તરીય કચેરી કાર્યરત કરવામાં આવશે. તેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ પ્રાપ્ત થશે. વધુમાં નાગરિકોના સમય અને સંસાધનોની બચત થશે, તેમજ વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે.

જિલ્લા સેવા સદનની ખાસિયતો

  • વન-સ્ટોપ સોલ્યુશન: કલેક્ટર કચેરી સહિત વિવિધ વિભાગોની 30થી વધુ કચેરીઓ એક જ છત નીચે કાર્યરત થશે.
  • ગ્રીન બિલ્ડિંગ: આ સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે. તેમાં સોલાર રૂફ ટોપ અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા હશે.
  • આધુનિક સવલતો: વિશાળ મિટિંગ હોલ, અદ્યતન લિફ્ટ અને બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા
  • સમયની બચત: નાગરિકોને અલગ-અલગ કામ માટે અલગ કચેરીના ધક્કા ખાવા નહીં પડે

77 માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવ-થરાદ જિલ્લામાં આ મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.