Hadaf Dam Water Release: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી જતાં જળાશયોમાં પાણીની પુષ્કળ માત્રામાં આવક થઈ છે. જેને પગલે રાજ્યના વિવિધ ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ હડફ ડેમમાં રુલ લેવલ જાળવી રાખવા માટે આજરોજ 1 ઓગસ્ટ 2026ના રોજ બપોરના 12 કલાકે ડેમનો 1 ગેટ 0.5 ફૂટ ખોલાશે. જેમાંથી અંદાજિત 623 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે.
હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવશે
હડફ ડેમમાં પાણી છોડવા અંગે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને જરૂરી જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલા તમામ ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી કોઈપણ વ્યક્તિએ નદી કાંઠે જવું નહીં તેમજ નદીમાં પ્રવેશ કરવો નહીં તેવી સૂચના અપાઈ છે.
વહીવટી તંત્રે લોકોને અપીલ કરી
સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરાઈ છે કે, પશુઓને પણ નદી કિનારાથી દૂર રાખવા તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.
