Panchmahal: કાલોલ GIDCમાં દુર્ઘટના, મશીનમાં ફસાઈ મજૂરની કરૂણ મૃત્યુ

મૃતકની ઓળખ ઝેરના મુવાડા ગામના રહેવાસી વિક્રમસિંહ ભીમસિંહ રાઠોડ તરીકે થઈ છે. આ દુર્ઘટના 17 ઓક્ટોબર, 2025ના રોજ બપોરના સમયે બની હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 18 Oct 2025 04:05 PM (IST)Updated: Sat 18 Oct 2025 04:05 PM (IST)
panchmahal-accident-in-kalol-gidc-tragic-death-of-laborer-trapped-in-machine-623215
HIGHLIGHTS
  • ખોડીયાર લાઈફ સાયન્સ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કાર્યરત 40 વર્ષીય મજૂરનું મશીનમાં ફસાઈ જતાં મોત થયું છે.
  • બપોરના આશરે પોણા ત્રણથી ત્રણ વાગ્યાના અરસામાં વિક્રમસિંહ રાઠોડ કંપનીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ કાલોલ GIDC વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે, જેમાં ખોડીયાર લાઈફ સાયન્સ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કાર્યરત 40 વર્ષીય મજૂરનું મશીનમાં ફસાઈ જતાં મોત થયું છે. મૃતકની ઓળખ ઝેરના મુવાડા ગામના રહેવાસી વિક્રમસિંહ ભીમસિંહ રાઠોડ તરીકે થઈ છે. આ દુર્ઘટના 17 ઓક્ટોબર, 2025ના રોજ બપોરના સમયે બની હતી.

મળતી માહિતી મુજબ, બપોરના આશરે પોણા ત્રણથી ત્રણ વાગ્યાના અરસામાં વિક્રમસિંહ રાઠોડ કંપનીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન રોટરી વાલ્વમાંથી પાવડર યોગ્ય રીતે નીચે ન પડતાં તેમણે મશીનની તકલીફ દૂર કરવા માટે તેનાં ઉપર ચડીને તપાસ શરૂ કરી હતી. અચાનક સંતુલન ગુમાવતા તેઓ રીવન મિક્સર મશીનમાં પડી ગયા હતા અને અંદર ફસાઈ ગયા હતા.

મશીન ચાલુ હાલતમાં હોવાથી તેમનું શરીર ગંભીર રીતે પીસાઈ ગયું હતું. આ ભયાનક ઘટનાથી ફેક્ટરીમાં ચકચાર મચી ગઈ હતી. અન્ય કામદારો તાત્કાલિક દોડી આવ્યા અને મશીન બંધ કરીને વિક્રમસિંહને બહાર કાઢ્યા હતા. પરંતુ તબિયત અત્યંત ગંભીર હોવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. બાદમાં 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમના મૃતદેહને કાલોલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃતકના કાકાના દીકરા સંજયકુમાર અમરસિંહ રાઠોડે કાલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર, મશીનના સુરક્ષા સાધનો પૂરતા પ્રમાણમાં કાર્યરત હતા કે નહીં અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન થયું હતું કે નહીં તે દિશામાં તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા નિયમોના અભાવે આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી હોવાના કારણે મજૂરોમાં ભયનું વાતાવરણ છે. કાલોલ GIDCમાં બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર ફેક્ટરીઓમાં કામદારોની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને ઉજાગર કરી છે.