Panchmahal Leopard Attacks: નાના વાજપુર ગામમાં દાદી સાથે સૂતેલા બાળક પર દીપડાનો હુમલો, મચ્છરદાનીના કારણે માંડ જીવ બચ્યો

પંચમહાલના નાના વાજપુર ગામમાં દાદી સાથે સૂતેલા 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. મચ્છરદાનીના કારણે બાળકનો જીવ બચ્યો, જોકે તે ઈજાગ્રસ્ત થતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વન વિભાગે દીપડાને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Jul 2026 08:37 PM (IST)Updated: Tue, 21 Jul 2026 08:37 PM (IST)
panchmahal-leopard-attack-mosquito-net-saves-toddlers-life-in-nana-vajpur

Panchmahal Leopard Attacks: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના નાના વાજપુર ગામમાં મધરાતે દીપડાના હુમલાનો એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરની બહાર દાદી સાથે મચ્છરદાનીમાં સૂતેલા સાત વર્ષના બાળક પર દીપડાએ અચાનક ત્રાટકીને હુમલો કર્યો હતો. જો કે મચ્છરદાની સુરક્ષા કવચ બનતાં બાળકનો સદનસીબે આબાદ બચાવ થયો છે.

બૂમાબૂમ થતાં દીપડો જંગલમાં ભાગી ગયો

ગત રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે નાના વાજપુર ગામમાં સાત વર્ષીય સુમિત પોતાની દાદી સાથે ઘરની બહાર મચ્છરદાની લગાવીને સૂતો હતો. આ દરમિયાન અંધારાનો લાભ ઉઠાવીને અચાનક ધસી આવેલા દીપડાએ બાળક પર હુમલો કરી દીધો હતો.

દીપડાના હુમલાથી ગભરાયેલા બાળકે બૂમાબૂમ કરી મૂકતાં પરિવાજનો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોનો હોબાળો જોઈને દીપડો બાળકને છોડીને નજીકના જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.

 

વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયો

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર અર્થે સૌપ્રથમ જાંબુઘોડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

છેલ્લા ત્રણ દિવસથી ગામમાં દીપડાની દહેશત

બાળકના પિતા સંજયભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી દીપડો ગામની આસપાસ આંટાફેરા મારી રહ્યો હતો અને બે દિવસ પહેલાં જ તેણે એક બિલાડીનો શિકાર કર્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વન વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાના પગલાં મેળવી તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં ટ્રેપ કેમેરા ગોઠવવાની સાથે સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

વન અધિકારીઓએ ગ્રામજનોને રાત્રિના સમયે ઘરની બહાર ન સૂવા, બાળકો પર ધ્યાન રાખવા અને દીપડો દેખાય તો તુરંત વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે. ગ્રામજનોએ આ હિંસક દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે.