Panchmahal: ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પંચમહાલ જિલ્લાના પ્રવાસે પધારેલા જગદીશ વિશ્વકર્માએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના પ્રાચીન અને પવિત્ર મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જે બાદ કાલોલમાં કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કરતી વખતે પ્રદેશ પ્રમુખે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, 450 વર્ષ પછી પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાનો ગૌરવપૂર્ણ પ્રસંગ દેશના PM મોદીના નેતૃત્વમાં સાકાર થયો છે. ગુજરાત સહિત દેશભરના પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે ભાજપા સરકાર સતત પ્રતિબદ્ધ છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે કોટિ-કોટિ વંદન અર્પણ કરતાં તેમણે જણાવ્યું કે, બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ, મામાને ઘરે રહી અંત્યંત સંઘર્ષપૂર્ણ જીવન જીવ્યા બાદ દીનદયાળનો એકાત્મ માનવદર્શન અને અંત્યોદયનો વિચાર એ માત્ર સૂત્ર નથી, પરંતુ છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાનો સંકલ્પ છે.
પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની રાજકીય, આર્થિક અને સામાજીક રૂપરેખા રાષ્ટ્રમાટે એક અનમોલ ભેટ છે. દેશના PM મોદી દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે 24 કલાક 365 દિવસ કાર્ય કરી રહ્યા છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મમાનવ દર્શનના વિચારને કાર્યરૂપ આપી રહ્યા છે.

"મારા માટે એક આંખ એટલે જિલ્લાનો પ્રમુખ અને બીજી આંખ એટલે મારા બુથનો પ્રમુખ." ભાજપનું શક્તિસ્થાન બુથ છે અને કાર્યકર્તા જ પાર્ટીનો આધારસ્તંભ છે. કાલોલ પ્રવાસ દરમિયાન બુથ પ્રમુખ ઘરે ચા-નાસ્તો અને ભોજન કરવાનો અવસર મળવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભાજપ માટે કાર્યકર્તા પરિવાર સમાન છે. આ જ ભાજપની વિચારધારા છે.
ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય થયું. ગોકુલ ગામ, સમરસ ગામ, વાઈબ્રન્ટ ગુજરાત, મહિલા સશક્તિકરણ, કૃષિ ક્રાંતિ, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકલ્પો દ્વારા ગુજરાત અને દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યા છે.
અગ્રેસર ગુજરાત એટલે જનતાનો ભાજપ પરનો વિશ્વાસ. અગ્રેસર ગુજરાત એટેલ વિકાસ, વિશ્વાસનો વિજય. આ માત્ર નારો નથી, પરંતુ 30 વર્ષથી ગુજરાતની જનતાએ આપેલા જનાદેશનું પ્રતિબિંબ છે. કોઇ પણ સમાજ વિકાસથી વંચિત ન રહી જાય તેની ચિંતા ભારતીય જનતા પાર્ટી ની સરકાર સતત કરતી આવી છે.
2004માં અટલબિહારી વાજપેયીજીની સરકારે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય રચ્યું. ભગવાન બિરસામુંડાને સાચા અર્થમાં સન્માન આપવાનું કાર્ય PM મોદીએ કર્યું. ગુજરાત અને દેશની જનતાએ વિકાસની રાજનીતિને સ્વીકારી છે. ન જાતિવાદ, ન પ્રાંતવાદ, પરંતુ સર્વાંગી વિકાસના એજન્ડા પર સતત ત્રણ-ત્રણ વખત ભાજપાને કેન્દ્રમાં બહુમતી મળી છે.
ગુજરાતની જનતા અને દેશના 140 કરોડ લોકોનો વિશ્વાસ PM મોદી અને ભાજપ પર અડગ છે, કારણ કે તેઓ છેવાડાના માનવીના કલ્યાણ માટે રાત-દિવસ કાર્યરત છે. દેશના 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું કામ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે.
આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓના સંદર્ભમાં તેઓએ જણાવ્યું કે ભાજપ અવિરત સેવા કરતી પાર્ટી છે, ભાજપ ફક્ત ચૂંટણી માટે નહીં, જનસેવા માટે કાર્ય કરતી પાર્ટી છે. અટલજીના શબ્દો, “ખુદ સે બડા દલ અને દલ સે બડા દેશ” સુત્રને ભાજપના કાર્યકર્તાઓ સાર્થક કરી રહ્યા છે.
ગુજરાતની જનતાએ કોંગ્રેસને ઓળખી લીધી છે
ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતી કોંગ્રેસને ગુજરાતની જનતાએ ઓળખી લીધી છે. કોંગ્રેસે વર્ષો સુધી વોટબેંકની રાજનીતિ કરી અને વિકાસના નામે શૂન્ય આપ્યું. કોંગ્રેસે માત્ર જનતાને છેતરવાનું અને ભરમાવવાનું કામ કર્યું છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ 1400 બુથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 450થી વધુ યોજનાઓનો લાભ પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા તેઓએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.
