Panchmahal Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સવારથી જ શ્રાવણી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાવાગઢ પર્વત પર પ્રકૃતિનું અદભુત અને મનોરમ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
ઘનઘોર ધુમ્મસ અને ખળખળ વહેતા ઝરણા
ચોમાસાના આ પ્રારંભિક વરસાદે પાવાગઢ ડુંગરની કાયાપલટ કરી નાખી છે, અને સમગ્ર વિસ્તાર જાણે પૃથ્વી પરનું સ્વર્ગ બની ગયો હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. પાવાગઢ ડુંગર અને તેની આસપાસનો જંગલ વિસ્તાર ઘનઘોર વાદળો અને દૂધિયા ધુમ્મસની ઘેરી ચાદરમાં લપેટાઈ ગયો છે. પહાડોની ઊંચી ચોટી પરથી વહી આવતા નાના-મોટા કુદરતી ઝરણાં સક્રિય થઈ જતાં તેના કલરવથી આખો ડુંગર ગુંજી ઉઠ્યો છે.
લીલીછમ હરિયાળી પરથી સરકતા પાણીના બિંદુઓ અને પહાડોને સ્પર્શીને પસાર થતી શીતલ પવનની લહેરો માઈભક્તો અને પ્રકૃતિપ્રેમીઓના મન મોહી રહી છે. રોપ-વેમાંથી કે પગથિયાં ચડતી વખતે આસપાસનું નયનરમ્ય દ્રશ્ય નિહાળવું શ્રદ્ધાળુઓ માટે એક અલૌકિક અને અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.
યાત્રાળુઓની સુરક્ષા માટે તંત્ર એલર્ટ મોડમાં
બીજી તરફ, વરસાદના જોર અને પહાડી વિસ્તારની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ સતર્ક બન્યા છે. ભારે વરસાદમાં ડુંગર પરના પગથિયાં લપસણા થવા તેમજ પહાડો પરથી પથ્થરો ખસવાની સંભાવના હોવાથી, કલેક્ટર તંત્ર અને સ્થાનિક પોલીસે હાઈએલર્ટ જાહેર કર્યું છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વરસાદની આગાહીને જોતા પાવાગઢની યાત્રા ટાળવા અપીલ કરી છે. વધુમાં, દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓને જોખમી પોઈન્ટ પર ન જવા, સેલ્ફી લેવામાં બેદરકારી ન દાખવવાની અને સાવચેતીપૂર્વક દર્શન કરી સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
