Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથંભલા ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મોડી રાત્રે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ગમગીની છવાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં બે મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે 13 મુસાફરોને ગંભીર અને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ દાહોદ તરફથી આવી રહેલી અન્ય લક્ઝરી બસ સાથે સામસામે અથડાઈ હતી. ટક્કરનો ધડાકો એટલો જોરદાર હતો કે બંને બસોના આગળના ભાગો ચૂર થઈ ગયા હતા અને મુસાફરોમાં ચીસા-ચીસ મચી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો અને મુસાફરોની મદદથી ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામનાર બે મહિલાની ઓળખ કુસુમબેન મડિયાભાઈ મસાનીયા અને સંગીતાબેન પપ્પુભાઈ ભુરીયા તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાં પાર્વતીબેન સુખરામભાઈ વસનીયા, અનિલભાઈ મહાનિયા, વિજયભાઈ કૈલાશભાઈ વસનીયા, અજુભાઈ સુખરામભાઈ વસનીયા, ચંદાબેન વિકાસભાઈ પરમાર, બેસરબેન અમરસિંગ, પ્રિયાબેન પપ્પુભાઈ ભુરીયા, કવિતાબેન દિલીપસિંહ, રાજખાન બલદેવ, મલકુબેન ભુરીયા અને રજનીબેન કાલીયાભાઈ સહિતના મુસાફરોને ઇજાઓ થઈ છે.
સઘન બચાવ કામગીરી હેઠળ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ ઇર્જાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે રાજકોટ જિલ્લામાં ખેતીના કામ માટે ગયેલા મધ્યપ્રદેશના શ્રમિકો દિવાળીની રજા માણવા પોતાના વતન પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ ગોધરા ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને બંને બસના ચાલકો સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા અકસ્માત સ્થળે મદદરૂપ બની ઘાયલોને બચાવવાનો માનવીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. હાઇવે પર બનેલી આ દુર્ઘટનાને કારણે ટ્રાફિક પણ અસ્થાયી રીતે પ્રભાવિત થયો હતો.
