Patan News: પાટણમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ એક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ગંભીર કિડનીની બીમારીથી પીડાતા એક વિદ્યાર્થીને સરકારે માત્ર મોંઘી સારવાર જ નહીં, પરંતુ નવજીવન આપ્યું છે.
પાટણની એક શાળામાં યોજાયેલી નિયમિત આરોગ્ય ચકાસણી દરમિયાન RBSK ટીમ દ્વારા વિદ્યાર્થીમાં કિડની સંબંધિત ગંભીર બીમારીના લક્ષણો ઓળખવામાં આવ્યા. ટીમે તાત્કાલિક ધોરણે આગળની નિષ્ણાત સારવાર માટે કાર્યવાહી હાથ ધરી, જે બાળકના જીવનમાં મોટો વળાંક સાબિત થઈ.
અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખાતે બાળકનું સંપૂર્ણ નિદાન કરવામાં આવ્યું. દાતા દ્વારા પ્રાપ્ત થયેલી કિડનીનું સફળ પ્રત્યારોપણ તા. 22 ઓગસ્ટ, 2024ના રોજ કરવામાં આવ્યું હતું. આ કીડની પ્રત્યારોપણનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આશરે રૂપિયા 50 લાખ જેટલો થતો હોય છે, પરંતુ RBSK યોજના અંતર્ગત આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક પાર પાડવામાં આવી હતી.
કીડની પ્રત્યારોપણ પછી દર મહિને આપવાના થતા IVIG ઇન્જેક્શનનો ખર્ચ પ્રતિ મહિને આશરે રૂપિયા દોઢ લાખ જેટલો થાય છે. રાજ્ય સરકાર આગામી છ મહિના માટે અંદાજિત રૂપિયા 10 લાખનો આ ખર્ચ પણ ભોગવી રહી છે. આ ઉપરાંત, RBSK ટીમ દ્વારા નિયમિત ગૃહ મુલાકાતો દ્વારા પરિવારને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
બાળકના માતા ભાવિષાબેન નિલેશભાઈ સ્વામીએ કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારે અમારા દીકરાને સાચા અર્થમાં નવજીવન આપ્યું છે. આટલો મોટો ખર્ચ અમે ક્યારેય ઉઠાવી ન શકત. કદાચ અમારે ઘર વેચવાનો વારો આવ્યો હોત, પરંતુ RBSK યોજનાને કારણે આજે મારો દીકરો ફરી સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. આ ઘટના બાદ બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે અને પરિવારના ચહેરા પર છવાયેલો તણાવ હવે આશામાં પરિવર્તિત થયો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે આ યોજના અંગે જણાવ્યું કે, RBSK યોજના ગંભીર બીમારી ધરાવતા બાળકો માટે ખરેખર સંજીવની સમાન બની છે. પ્રત્યારોપણ હોય કે અન્ય મોંઘી સારવાર, રાજ્ય સરકાર આર્થિક ભાર વગર સંપૂર્ણ સહાય પૂરી પાડી રહી છે. આ યોજના અનેક ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
