Patan: 22 વર્ષીય આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત, પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો

પાટણના અનાવાડા રોડ પર આવેલ ધાંધલના છાપરા વિસ્તારમાં 22 વર્ષીય રાહુલજી ઠાકોરે જૂના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sun 12 Apr 2026 04:14 PM (IST)Updated: Sun 12 Apr 2026 04:14 PM (IST)
patan-news-22-year-old-youth-suicide-dhandhal-police-file-complaint-investigation-726804

Patan News: પાટણ શહેરમાં આવેલા ધાંધલના છાપરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુનો નોંધીને વધુની તપાસ હાથ ધરી છે.

યુવાને આપઘાત કરી લીધો

મળતી માહિતી મુજબ, અનાવાડા રોડ પરની સાંઈ સપ્ત રેસીડેન્સીમાં રહેતા રાહુલજી રમેશજી ઠાકોર (ઉં.વ. 22) નામના યુવાને ધાંધલના છાપરા સ્થિત પોતાના જૂના મકાનમાં જઈ કોઈ અગમ્ય કારણોસર દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેના લીધે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

પરિવારમાં શોકનો માહોલ

જ્યારે પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ તાત્કાલિક મૃતક યુવકને બચાવવા માટે નીચે ઉતાર્યો હતો અને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, કમનસીબે સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતું.

પોલીસ કાર્યવાહી

ઘટના અંગે મૃતકના મોટાભાઈ દિલીપજી રમેશજી ઠાકોરે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

મૃતક યુવક છૂટક મજૂરી કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. યુવાને આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું એ અંગે હાલ જાણી શકાયું નથી. પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.