Patan શહેરમાં વ્યાજખોરોના ત્રાસ; 5 લાખ સામે 17 લાખ વસૂલીને વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ

પાટણમાં વ્યાજે નાણાં લેનારા પીડિત પાસે વ્યાજખોરે વધુ 7 લાખની પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 15 Apr 2026 10:33 AM (IST)Updated: Wed 15 Apr 2026 10:33 AM (IST)
patan-news-builder-usury-case-5-lakh-interest-police-complaint-file-728246

Patan Usury Case: વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને વ્યાજના વિષચક્રમાં સામાન્ય લોકોને પીસી નાખે છે. વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરીને વ્યાજે પૈસા લેનારાનું જીવન દુષ્કર કરી નાખ્યાનું ઘણી વાર સામે આવે છે. આવો જ એક બનાવ પાટણ શહેરમાંથી સામે આવ્યો છે.પાટણ શહેરમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિએ પઠાણી ઉઘરાણી કરનારા બિલ્ડર સામે પાટણ સીટી બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વ્યાજખોરે 7 લાખની કરી પઠાણી ઉઘરાણી

પાટણમાં મીરા દરવાજા રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા મિતુલકુમાર અમિતકુમાર રાવતે એક બિલ્ડર દેવેન્દ્ર પટેલ પાસેથી ધંધા માટે વ્યાજે 5 લાખ રુપિયા લીધા હતા. પરંતુ જેની સામે વ્યાજખોર બિલ્ડરે 5 લાખની સામે વ્યાજ સહિત કુલ 17.38 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હતા. જ્યારે વધુ 7 લાખની પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ધંધામાં જરુર પડતા પીડિતે વ્યાજે નાણાં લીધા

ફરિયાદી મિતુલકુમાર રાવતે નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2023માં ધંધા માટે પૈસાની જરુરિયાત પડતા ફરિયાદીએ દેવેન્દ્ર શંકરલાલ પટેલ પાસેથી રુપિયા 5 લાખ 1 ટકા માસિક વ્યાજે લીધા હતા. જે રકમ મેળવતા ફરિયાદીએ પોતાના બે બ્લેન્ક ચેક જામીન પેટે આપ્યા હતા. શરૂઆતમાં ફરિયાદીએ નિયમિતપણે વ્યાજની ચૂકવણી કરી હતી. જે બાદ વ્યાજખોરે વ્યાજનો દર 1 ટકામાંથી 3 ટકા કરી નાખ્યો હતો. ફરિયાદીએ ફરિયાદમાં નોંધ્યા મુજબ,આરોપીએ નવેમ્બર 2024માં પૈસાની ઉઘરાણી કરીને દબાણ કર્યું હતું. જેથી ફરિયાદીએ તેની સોનાની વીંટી વેચીને અને મિત્ર પાસેથી ઉછીના પૈસા લઈને કુલ રુપિયા 2 લાખ મૂળ રકમ પેટે જમા કરાવ્યા હતા.

આરોપીએ જેલમાં મોકલી દેવાની ધમકી આપી

આરોપી દેવેન્દ્ર પટેલે અલગ ગણતરી રજૂ કરી હતી. આરોપીએ દાવો કર્યો કે,તેણે ફરિયાદીને આપેલા નાણાં બીજી વ્યક્તિ પાસેથી લાવ્યા હતા.જેમાં તે વ્યક્તિને એરંડાના વેચાણમાં મોટા પાયે નુકસાન થયું છે અને તે રકમ વ્યાજમાં ગણવી પડશે. આરોપીએ તેમ કરીને 5 લાખ સામે 12.41 કરોડ રુપિયા આપવા પડશે, તેમ જણાવીને પૈસા નહીં ચૂકવાય તો બ્લેન્ક ચેકમાં 10 લાખ ભરીને જેલમાં મોકલવાની ધમકી આપી હતી.

આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ધમકીથી ડરી ગયેલા ફરિયાદીએ એપ્રિલ 2025થી જુલાઈ 2025 સુધીમાં કટકે કટકે બેન્ક ટ્રાન્સફર અને રોકડ મળીને કુલ રુપિયા 17,38,243ની ચૂકવણી કરી દીધી હતી. આટલી મોટી રકમ વસૂલ્યા પછી પણ આરોપીએ વધુ 7 લાખની પઠાણી ઉઘરાણી કરી હતી. જેથી સતત ધમકીઓથી ત્રાસીને ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પછી પોલીસે વ્યાજખોર દેવેન્દ્ર શંકરલાલ પટેલ સામે બીએનએસ કલમ 308(3) અને 308(2) તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ કલમ 42 અને 40 નીચે ફરિયાદ નોંધીને વધુ તપાસ આદરી છે.