Patan: ઉ.ગુ યુનિ.નો નવા શૈક્ષણિક વર્ષ પહેલાં મોટો નિર્ણય, સરકારની મંજૂરી વિના સેલ્ફ ફાઇનાન્સ બેઠકો ભરી શકાશે નહીં

હેમચન્દ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2026-27થી એડમિશન પ્રોસેસમાં સીટ ફાળવણીને લઈને અગત્યનો નિર્ણય લીધો છે. જાણો સમગ્ર વિગત

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 10 Apr 2026 10:17 AM (IST)Updated: Fri 10 Apr 2026 10:19 AM (IST)
patan-news-hemchandracharya-north-gujarat-university-bans-self-finance-seats-without-government-approval-725176

Patan: પાટણમાં આવેલી હેમચન્દ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2026-27થી એડમિશન પ્રોસેસમાં સીટ ફાળવણીને લઈને અગત્યનો નિર્ણય લીધો છે. જેમાં હજુ સુધીમાં ગ્રાન્ટેડ કોલેજોમાં રેગ્યુલર સીટો ભરાઈ ગયા બાદ બાકીના વિદ્યાર્થીઓને એડમિશન આપવા યુનિવર્સિટી કક્ષાએથી સેલ્ફ ફાઇનાન્સ બેઠકો કે ડિવિઝન મંજૂર કરવામાં આવતી હતી, જેના પર રોક લગાવી દેવાઈ છે.

કોલેજોએ સરકાર પાસે મંજૂરી લેવી પડશે

જોકે, જારી કરાયેલી નવી સૂચના અનુસાર, કોઈ પણ કોલેજ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપતી જણાશે. તો યુનિવર્સિટી તેવા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન નહીં કરે, તેવું જાણવા મળ્યું છે. દર વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજોમાં સ્વ-નિર્ભર આશરે 2000 જેટલી વધારાની સીટોને મંજૂર કરે છે. યુનિવર્સિટી નવા વર્ષે સીધી મંજૂર કરી શકશે નહીં. પરંતુ તે માટે કોલેજોએ હવે સરકાર પાસે મંજૂરી લેવી પડશે.

સરકારની મંજૂરી લેવાની રહેશે

ઉ.ગુ યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા જારી કરેલી નોટિસ મુજબ, શિક્ષણ વિભાગના વર્ષ 2001માં કરવામાં આવેલા ઠરાવનું કડકાઈથી પાલન કરતા હવે ગ્રાન્ટેડ કોલેજોમાં રાજ્ય સરકારની સૈદ્ધાંતિક પૂર્વ મંજૂરી વગર કોઈપણ સ્વ-નિર્ભર અભ્યાસક્રમ કે વિભાગ શરૂ કરી શકાતો નથી.

દર વર્ષે એડમિશન માટે ભારે ઘસારો

ઉત્તર ગુજરાતમાં આશરે 63 જેટલી સરકારી અને અર્ધ-સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં દર વર્ષે એડમિશન માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો હોય છે. ત્યારે સીટો ફૂલ થઈ જાય ત્યારે સંચાલકો સ્થાનિક સ્તરે વિદ્યાર્થીઓના હિતમાં સ્વનિર્ભર નવા વિભાગની માંગણી કરતા હોય છે.

શૈક્ષણિક માપદંડોની થશે જાળવણી

HNGU‎ના એક સિનિયર પ્રોફેસર મુજબ,શૈક્ષણિક રીતે આ નિર્ણય સારો છે. કેટલીક વાર પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્ટાફ વગર વધારાની આવક માટે ગ્રાન્ટેડ કોલેજો SFI સીટો ભરી લે છે. સરકારના હસ્તક્ષેપથી શૈક્ષણિક માપદંડોની જાળવણી થશે. પરંતુ સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગૂ કરીને કાર્ય કરવું જોઈએ જેથી સારી ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ભરવામાં વિલંબ ન થાય અને વિદ્યાર્થીઓને હાલાકી ન પડે.