Patan Rain: હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી પાટણ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં તો મેઘ કહેર બનીને વરસી હોય તેમ ભારે વરસાદથી અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
રાધનપુરમાં સવા 9 ઈંચ, સાંતલપુરમાં 9 ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર
આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે પૈકી રાધનપુર તાલુકામાં સૌથી વધુ 235 મિ.મી (9.25 ઈંચ) ધોધમાર ખાબક્યો છે. આ સિવાય સાંતલપુરમાં પણ 227 મિ.મી (8.9 ઈંચ) વરસાદ તૂટી પડ્યો છે.
Dwarka Dandvat Yatra: 76 વર્ષના ભક્તની રાજસ્થાનથી નીકળેલી 700 કિમીની દંડવત યાત્રા દ્વારકા પહોંચી
એકધારા તૂટી પડેલા વરસાદના કારણે રાધનપુરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગટરનું કામ બાકી રાખીને રોડ બનાવી દેવામાં આવતા અનેક ઠેકાણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો. જેના પરિણામે અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે. વરસાદનું પાણી લોકોના ઘરમાં ફરી વળતા ઘરવખરી પલળી ગઈ છે.
આવી જ હાલત સાંતલપુર તાલુકામાં પણ જોવા મળી રહી છે, જ્યાં અનેક માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જળભરાવના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે.
પાટણ જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, હારીજમાં 75 મિ.મી (2.9 ઈંચ), શંખેશ્વરમાં 62 મિ.મી (2.4 ઈંચ), ચાણસ્મામાં 60 મિ.મી (2.3 ઈંચ), સિદ્ધપુરમાં 56 મિ.મી (2.2 ઈંચ), પાટણમાં 40 મિ.મી (1.5 ઈંચ), સરસ્વતીમાં 32 મિ.મી (1.2 ઈંચ) તેમજ સમીમાં 22 મિ.મી વરસાદ નોંધાયો છે. હજુ પણ પાટણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાને જોતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
