ગુજરાતમાં હાલ ચોમાસાના આગમનની સાથે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વિવિધ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ પાટણ જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પ્રમાણે પાટણમાં સારો વરસાદ નોંધાયો છે. 25 જુલાઈ સવારના 6 વાગ્યાથી 26 જુલાઈ સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
પાટણ શહેરમાં સૌથી વધારે વરસાદ
પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાટણ શહેરમાં 2.83 ઇંચ નોંધાયો છે. તેની બિલકુલ પાસે સરસ્વતી તાલુકામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા 2.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત રાધનપુર તાલુકામાં 1.85 ઈંચ અને સિદ્ધપુરમાં 1.61 ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, સાંતલપુરમાં 1.18 ઇંચ અને ચાણસ્મામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હારીજમાં 0.91 ઈંચ,સમી તાલુકામાં 0.67 ઈંચ અને શંખેશ્વરમાં 0.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આ સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. મોસમના આ પ્રથમ નોંધપાત્ર વરસાદથી ખેતીના પાકને મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. જળાશયોમાં પણ નવા નીરની આવક શરૂ થતા પાણીની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
- પાટણ: 2.83 ઈંચ
- સરસ્વતી: 2.8 ઈંચ
- રાધનપુર: 1.85 ઈંચ
- સિદ્ધપુર: 1.61 ઈંચ
- સાંતલપુર: 1.18 ઈંચ
- ચાણસ્મા: 1.06 ઈંચ
- હારીજ: 0.91 ઈંચ
- સમી: 0.67 ઈંચ
- શંખેશ્વર: 0.2 ઈંચ
