પાટણ–ઊંઝા હાઈવે પર બોટલ નેક બ્રિજમાંથી મુક્તિ, રૂપિયા 20 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યો છે આધુનિક ફોર-લેન બ્રિજ

પાટણ-ઊંઝા સ્ટેટ હાઈવે પર સાંકડા પુલને બદલે ₹20 કરોડના ખર્ચે નવો આધુનિક 4-લેન પ્રી-સ્ટ્રેસ્ડ બ્રિજ બની રહ્યો છે. જાણો કામગીરી ક્યારે પૂર્ણ થશે અને શું છે ફાયદા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 03 Aug 2026 04:54 PM (IST)Updated: Mon, 03 Aug 2026 04:54 PM (IST)
relief-from-the-bottleneck-bridge-on-the-patan-unjha-highway-a-modern-fourlane-bridge-is-taking-shape-at-a-cost-of-rupees-20-crore

Patan News: પાટણ–ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ (SH-130) પર મુસાફરી કરતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ કિલોમીટર 38/00 થી 45/400 વચ્ચે આવેલા જૂના અને સાંકડા પુલના સ્થાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 20 કરોડના ખર્ચે આધુનિક ચાર માર્ગીય (ફોર-લેન) મેજર બ્રિજનું નિર્માણ કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે.

ક્યારે પૂર્ણ થશે કામગીરી?

  • મંજૂરી તારીખ: 22 જાન્યુઆરી, 2025
  • કામનો પ્રારંભ: 29 સપ્ટેમ્બર, 2025
  • હાલની સ્થિતિ: ગર્ડર લોન્ચિંગ પૂર્ણ, સ્લેબનું કામ ચાલુ.
  • લક્ષ્યાંક તારીખ: 28 સપ્ટેમ્બર, 2026 સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે.
naidunia_image

નવા બ્રિજની આધુનિક ટેકનોલોજી અને વિશેષતાઓ

નવા બ્રિજની કુલ લંબાઈ 60 મીટર અને પહોળાઈ 10.40 મીટર છે, જેમાં 4 લેન, 4 પીયર અને 6 સ્પાન રાખવામાં આવ્યા છે.આ બ્રિજમાં પોસ્ટ-ટેન્શનડ પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રિટ ગર્ડર ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જેનાથી બ્રિજમાં તિરાડો પડતી નથી અને તેની ઉંમર 75 થી 100 વર્ષ સુધીની રહે છે. આ પદ્ધતિમાં પહેલા સામાન્ય કોંક્રીટના સભ્ય જેવા કે સ્લેબ, બીમ કે ગર્ડર બનાવવામાં આવે છે. કોંક્રીટ કઠણ થયા બાદ તેની અંદર રાખવામાં આવેલી ખાસ નળીઓમાંથી હાઇ ટેન્સાઇલ સ્ટીલના તારો પસાર કરવામાં આવે છે. ત્યારબાદ હાઇડ્રોલિક જેકની મદથી આ તારોને બંને બાજુથી તાણવામાં આવે છે અને તેની શક્તિને એન્કર દ્વારા કોંક્રીટ પર ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી કોંક્રીટમાં અગાઉથી જ દબાણ ઉત્પન્ન થાય છે. પરિણામે ભવિષ્યમાં વાહન કે અન્ય ભાર આવતા પણ કોંક્રીટમાં ખેંચાણ અને તિરાડો ઉત્પન્ન થતી નથી.

આ બ્રીજની ખાસ વાત એ છે કે, 30 મીટર સુધી વચ્ચે કોઈ પિલર આપવાની જરૂર ન પડતી હોવાથી પાણી અને વાહનવ્યવહારનો પ્રવાહ અવરોધાશે નહીં. આ ઉપરાંત ફેક્ટરીમાં તૈયાર થયેલા ગર્ડરનો ઉપયોગ થવાથી બાંધકામની મજબૂતાઈ વધે છે અને સમય બચે છે.

naidunia_image

આ નવા ચાર માર્ગીય બ્રિજના નિર્માણથી થનાર ફાયદા

  • માર્ગ સલામતીમાં વધારો થશે, અકસ્માતોની સંભાવના ઘટશે તેમજ મુસાફરોને ઝડપી અને સરળ અવરજવરનો લાભ મળશે.
  • નવીન બ્રીજમા ફુટપાથની જોગવાઇ કરેલ હોઇ રોડ સેફ્ટીમા વધારો થશે.
  • વેપાર-વાણિજ્યને વેગ મળશે, સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સુધી પહોંચ વધુ સુલભ બનશે.

માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે જણાવ્યું છે કે આ આધુનિક બ્રિજ પૂર્ણ થયા બાદ પાટણ–ઊંઝા માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ, સુરક્ષિત અને લાંબા ગાળે ટકાઉ બનશે, જે સમગ્ર વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

naidunia_image