Vikram Thakor News: ઠાકોર સમાજ દ્વારા કુરિવાજો અને ખોટા ખર્ચાઓ રોકવા માટે અમલમાં મૂકવામાં આવેલા સામાજિક બંધારણનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદમાં જ્યારે જાણીતા અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોરે ડીજે (DJ) સંચાલકો અને કલાકારોની રોજીરોટીનો મુદ્દો ઉઠાવી તેમનું સમર્થન કર્યું, ત્યારે સમાજમાં બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે રાધનપુર GKTSના સદસ્ય અને ભાજપના આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર સામે અત્યંત આકરા તેવરમાં વળતો પ્રહાર કર્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ: 'દોઢ ફૂટિયા' કહીને સંબોધ્યા
દિનેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને વિક્રમ ઠાકોર પર વ્યક્તિગત આક્ષેપો કર્યા છે. તેમણે વીડિયોમાં અત્યંત આક્રમક ભાષાનો પ્રયોગ કરતા વિક્રમ ઠાકોરને 'દોઢ ફૂટિયા' કહીને સંબોધ્યા અને કહ્યું કે, "વિક્રમ, તું તારી મર્યાદામાં રહેજે અને માપમાં રહેજે. તારા પ્રોગ્રામ પહેલા ક્યાંય થતા નહોતા તે યાદ રાખજે". તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે વિક્રમ ઠાકોર આવા નિવેદનો આપીને સમાજના કડક બંધારણના લીરેલીરા ઉડાવી રહ્યો છે.
ફિલ્મો અને સામાજિક જવાબદારી પર સવાલો
દિનેશ ઠાકોરે માત્ર નિવેદન પૂરતો સીમિત ન રહીને વિક્રમ ઠાકોરની ફિલ્મો પર પણ પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "તેં એવી ફિલ્મો બનાવી છે જેનાથી સમાજના યુવાનો બગડ્યા છે અને લોકોને દારૂના રવાડે ચડાવ્યા છે". તેમણે વિક્રમ ઠાકોરના સમાજ પ્રેમ પર પણ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે સન્માન સમારોહમાં તેમનું નામ ન આવ્યું ત્યારે જ તેમને ભીડ ભેગી કરવા માટે સમાજ યાદ આવ્યો હતો.
કલાકારો પર શિસ્તભંગની કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજે લગ્ન પ્રસંગોમાં ડીજે અને બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમનો ભંગ કરવા બદલ લોક કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. વિક્રમ ઠાકોરે આ કલાકારો અને ડીજે સંચાલકોનો પક્ષ લેતા દલીલ કરી હતી કે આનાથી તેમની રોજીરોટી પર અસર પડી રહી છે. જોકે, સમાજના અન્ય આગેવાન મુકેશજી ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે આ બંધારણ કોઈ એક વ્યક્તિનું નથી પણ સમગ્ર સમાજનું છે. તેમણે ચેતવણી આપી છે કે સમાજે જેમને મોટા બનાવ્યા છે, તેમને તે નાના પણ કરી શકે છે.
પાટણમાં પ્રોગ્રામ કરવાની આપી ચેલેન્જ
દિનેશ ઠાકોરે પોતાના વીડિયોના અંતમાં વિક્રમ ઠાકોરને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, "જો તારામાં તાકાત હોય તો હવે પાટણ બાજુ પ્રોગ્રામ કરી બતાવજે, તને ખબર પડી જશે". આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. કલાકાર અને સામાજિક બંધારણ વચ્ચેનો આ જંગ હવે ઉત્તર ગુજરાતના રાજકારણ અને સામાજિક સંગઠનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મુકેશ ઠાકોરનું નિવેદન
મુકેશજી ઠાકોરે કહ્યું હતું કે, આ બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું. કુરિવાજો અને ખોટા ખર્ચા બંધ થાય તે માટે બનાવ્યું છે. બંધારણના નિયમનું ગબ્બર અને અર્જુન ઠાકોરે ઉલ્લંઘન કર્યુ છે. જેના કારણે તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમે સમાજની સામે પડશો તો એકલા પડી જશો. સમાજે તમને મોટા બનાવ્યા છે. એજ તમને નાના પણ બનાવવાનો પ્રયત્ન કરશે. સમાજ એ હાથીનો પગ છે એટલે સમાજથી વિરુદ્ધ જઈને તમે થાકી જશો.
