એરપોર્ટ જેવી લક્ઝરી સુવિધાઓ અને અદભૂત લુક; પીએમ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશનનો વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે કાયાકલ્પ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી આ સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 17 Jul 2026 09:33 PM (IST)Updated: Fri, 17 Jul 2026 09:33 PM (IST)
pm-modi-dedicated-the-redeveloped-porbandar-railway-station-to-the-nation-under-the-amrit-bharat-station-scheme

Amrit Bharat Station Scheme: PM નરેન્દ્ર મોદીએ 17 જુલાઈના રોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના 75 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ભવ્ય લોકાર્પણ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણના ભાગરૂપે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા પોરબંદર રેલવે સ્ટેશનનું પણ નવું અને આધુનિક સ્વરૂપ દેશને સમર્પિત કરવામાં આવ્યું છે.

આ અવસરે પીએમ મોદીએ વિવિધ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરવાની સાથે નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

પીએમ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેરણાદાયી સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક નાગરિકો અને રેલવે કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે નિહાળ્યું હતું. સમારોહ બાદ આમંત્રિત મહેમાનોએ પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં મુસાફરો માટે તૈયાર કરાયેલી આધુનિક સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરીને રેલવે વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી.

સ્થાનિક વારસો અને આધુનિક સુવિધાઓનો સંગમ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનો કાયાકલ્પ અદભૂત રીતે કરવામાં આવ્યો છે. આ સ્ટેશન હવે આકર્ષક સ્થાપત્ય અને સ્થાનિક સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતી અનોખી થીમ પર આધારિત છે. સ્ટેશનમાં દિવ્યાંગજનો માટે વિશેષ અનુકૂળ વ્યવસ્થાઓ, અત્યાધુનિક વેઇટિંગ રૂમ , શાનદાર લાઇટિંગ સિસ્ટમ, ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા અને મુસાફરોની સરળ અવરજવર માટેની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ નવતર પ્રયોગથી આ પ્રદેશમાં પર્યટન, સ્થાનિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે.

naidunia_image

ભાવનગર મંડળની ટીમનું સફળ આયોજન

આ ભવ્ય સમારોહ ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્માના સક્ષમ નેતૃત્વ હેઠળ યોજાયો હતો. જેમાં ભાવનગર મંડળના તમામ શાખા અધિકારીઓ, સુપરવાઈઝરો અને મોટી સંખ્યામાં રેલવે સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય રેલવેની આ ઐતિહાસિક પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના દેશના સ્ટેશનોને આધુનિક, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રિત બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે.

પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ વિશેષ સમારોહમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષા ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત અધ્યક્ષા શીતલબેન ઓડેદરા સહિતના જનપ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.