Porbandar: પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રૂ.7.88 લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજકોટની 22 વર્ષીય યુવતીને ચોરીના દાગીના સાથે ઝડપી પાડી છે.
ગત 30 જૂન, 2026 ના રોજ વાઘેશ્વરી પ્લોટ, રોયલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ રૂપારેલિયાના ઘરે તેમની દીકરીના લગ્ન હતા. આ પ્રસંગે બ્યુટી પાર્લરનું કામ કરવા માટે રાજકોટથી એક યુવતી આવી હતી. આ યુવતીએ લગ્નના માહોલનો લાભ ઉઠાવી કબાટમાંથી સોનાનો ચેઈન, ઈટાલિયન બ્રેસલેટ, સોનાનું કડું, બે વીંટી અને કાનની બાલી સહિતના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (ઇગજ), 2023 ની કલમ 305 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા દ્વારા ગુનો ઉકેલવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. રામના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક CCTV કેમેરા, ’નેત્રમ’ કમાન્ડ કંટ્રોલના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
ભાગવાની ફિરાકમાં રહેલી બ્યુટીશિયનના પેન્ટના ખિસ્સામાંથી દાગીના મળ્યા
પોલીસ તપાસ દરમિયાન કમલાબાગ સર્વેલન્સ સ્ટાફના PSI એ.એ. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન સોલંકીને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ બ્લૂ પેન્ટ અને પિંક ટીશર્ટ પહેરેલી એક યુવતી ચોરીના દાગીના સાથે કર્લીના પુલ પાસેના ગ્રાઉન્ડમાં છાપરા નીચે બેઠી હતી અને નાસી જવાની ફિરાકમાં હતી.
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વોચ ગોઠવી શંકાસ્પદ યુવતીને અટકાવી હતી. મહિલા પોલીસ દ્વારા તેની અંગજડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચોરીના તમામ દાગીના મળી આવ્યા હતા.
પકડાયેલી યુવતીની ઓળખ આર્ચીબેન સાતા (ઉં.વ.22, રહે. રાજકોટ) તરીકે થઈ હતી. શરૂઆતમાં દાગીના અંગે ગોળ-ગોળ જવાબો આપ્યા બાદ, પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો.
આર્ચીએ જણાવ્યું કે, તે કિશોરભાઈના ઘરે બ્યુટી પાર્લરના કામ માટે આવી હતી ત્યારે નજર ચૂકવીને કબાટમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. આરોપી પાસેથી રૂ.7,88,700/- નો મુદ્દામાલ કમલાબાગ પોલીસ સરાહનીય કામગીરી કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
