Porbandar: પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક આવેલ 1200ની વસ્તી ધરાવતું નાનકડું ગામ - મોડદર આજે ખુશ છે. તેનું કારણ છે. મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ.
હકીકતમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પોરબંદરના મોડદર ગામના લખમણભાઇ મોડદરા અન્ય ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તેમના ગામના રસ્તાનો પ્રશ્ન રજૂ કર્યો. જેમાં મુખ્યમંત્રીએ ગ્રામજનોને ધ્યાનથી સાંભળ્યા. ગામની રજૂઆત હતી કે તેમને કુતિયાણા પહોંચવા માટે રસ્તો અને બ્રિજ બનાવી આપવામાં આવે.
મુખ્યમંત્રીને લાગ્યું કે, ગ્રામજનોનો પ્રશ્ન વાજબી છે. તેનાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે. તેમને તરત જ રૂ. 9 કરોડ મંજૂર કર્યા. રસ્તા અને પુલનું કામ મંજુર કરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. હવે મોડદર અને પસવારી ગામ વચ્ચે માઈનોર બ્રિજ, કલવર્ટ અને ત્રણ કિમી રસ્તાની કામગીરી શરૂ થશે.
મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ગામના પ્રશ્નનું નિરાકરણ આવતા ગ્રામજનો ભાવવિભોર બન્યા છે. લખમણભાઇ જણાવ્યું કે, અમે મુખ્યમંત્રીને મળીને ગામડે પહોંચ્યા ત્યાં ચોથા જ દિવસે સીએમ કાર્યાલયમાંથી ફોન આવ્યો કે તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે.એટલું જ નહીં પરંતુ આ કામગીરી માટે રૂપિયા નવ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. અમારા નાના ગામ માટે આ બહુ મોટી વાત છે.
વધુમાં લક્ષ્મણભાઈએ જણાવ્યું કે, છેલ્લાં અનેક વર્ષોથી ગામ લોકોની એવી લાગણી હતી કે કુતિયાણા જવા માટે રસ્તો અને બ્રિજ બને. હાલ ચારેક ગામ પાસે વટાવીને જવું પડે છે. જેનું અંતર 20 કિમી છે. વળી નદીના સામા કાંઠે 100થી વધુ ખેડૂતોના ખેતરો છે. આ ખેતરો એ પણ ફરી ફરીને જવું પડે છે.
ખેડૂતો ટૂંકા રસ્તાનો ઉપયોગ કરતા, તે પણ જીવ જોખમમાં મૂકીને. ગ્રામજનો માલ ઢોર સાથે નદીમાં ઉતરી ખેતરે જતા. ક્યારેક તરાપાનો ઉપયોગ કરતા.જેથી ડૂબવાનો હંમેશા ભય રહે.આ સમસ્યામાંથી હવે મુક્તિ મળશે.
આ ગામ ઘેડ વિસ્તારનું. એટલે આ ગામમાં આઠ મહિના નદીમાં પાણી ભરાયેલું રહે અને ચાર મહિના જ રસ્તો ખુલ્લો રહે. ગામ લોકોએ સૌપ્રથમ આ પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં રજૂ કર્યો.પોરબંદર કલેક્ટર અડચણો દૂર કરાવીને જૂનો રસ્તો ખુલ્લો કરાવ્યો.પરંતુ ગ્રામજનોની માંગણી નદી પર પુલની હતી. આ અંગે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં સમસ્યા રજૂ થઈ. અને તેનો ઉકેલ આવ્યો.
મોડદરના રમેશભાઈ કરંગીયા જણાવે છે કે આ રસ્તો અમારા માટે જીવાદોરી સમાન બની રહેશે. વિદ્યાર્થીઓને સ્કૂલ નજીક થશે, ખેડૂતોને ખેતર. અને જ્યાતે દર્દીને ઝડપી સારવારની જરૂર હશે, ત્યારે તેને દવાખાને પહોંચાડી શકાશે.જેથી તે જીવ પણ બચાવી શકે.
મોડદરના માલધારી રાણાભાઇ કટારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલા આવકાર ને આજે પણ યાદ કરે છે. તે હર્ષ વ્યક્ત કરતા કહે છે "મુખ્યમંત્રીશ્રી અમારો પ્રશ્ન સમજ્યાં અને તરત ઉકેલ લાવ્યા. તેનો સંતોષ છે.
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં મોડદર જેવા અનેક ગામો -શહેરોના નાગરિકોની સમસ્યાનું સમાધાન થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હ, ત્યારે શરૂ થયેલો "સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ" આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધુ તેજ ગતિએ આગળ ધપી રહ્યો છે. "નાગરિક દેવો ભવઃ" ના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપે છે.
