Porbandar: પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા અરબ સાગરમાં ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખા પોર્ટની એક ફિશિંગ બોટનું તેના આઠ ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના પોરબંદરની દરિયાઈ હદમાં આંતરરાષ્ટ્રીય જળ સરહદ (IMBL) નજીક બની હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઓખા પોર્ટની માલિકીની ફિશિંગ બોટ પર સવાર થઈને ગીર સોમનાથ જિલ્લાના 8 જેટલા માછીમારો અરબ સાગરમાં પોરબંદર નજીક માછીમારી કરી રહ્યા હતા. આ સમયે પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ઘૂસણખોરી કરીને માછીમારોની બોટને આંતરી હતી.
જે બાદ પાકિસ્તાન મરીનના જવાનો માછીમારોનું અપહરણ કરીને તેમને પાકિસ્તાન તરફ લઈ ગયા હતા. માછીમારોના અપહરણના સમાચાર વાયુવેગે ફેલાતા જ તેમના પરિવારજનોમાં અને સમગ્ર માછીમાર સમાજમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે. પાકિસ્તાન દ્વારા સમયાંતરે કરવામાં આવતી આ અપહરણની પ્રવૃત્તિઓથી માછીમારોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
બીજી તરફ આ ગંભીર ઘટનાની નોંધ લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગને સઘન બનાવવામાં આવ્યું છે.
