Rajkot Crime News: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં જ હત્યાની આ બીજી ઘટના સામે આવી છે, જેના કારણે પોલીસ તંત્ર દોડતું થયું છે. સોમવારે મોડી રાત્રે મિત્રના બર્થ-ડે સેલિબ્રેશન દરમિયાન 18 વર્ષીય યુવક ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની નજીવી બાબતે છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે.
બર્થ-ડે પાર્ટી પછી 'મોમાઈ ટી-સ્ટોલ' પર દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય ધાર્મિક મકવાણા સોમવારે રાત્રે તેના મિત્ર રાહુલ વાઘેલાના જન્મદિવસની ઉજવણી કરવા ઘરેથી નીકળ્યો હતો. બર્થ-ડે સેલિબ્રેશન પૂર્ણ થયા બાદ સાત મિત્રોનું ગ્રુપ જ્યુબિલી ચોક નજીક આવેલી 'મોમાઈ ટી-સ્ટોલ' પર ચા પીવા માટે ગયું હતું. ચા પીતી વખતે મિત્રોના આ ગ્રુપ વચ્ચે કોઈક નજીવી બાબતે અચાનક બોલાચાલી અને ઝઘડો થયો હતો.
આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે બર્થ-ડે બોય રાહુલના પિતરાઈ ભાઈ અને પેડક રોડ પર રહેતા મયુર લઢેરે આવેશમાં આવી જઈને પોતાની પાસે રહેલી છરી કાઢી હતી. મયુર લઢેરે આવેશમાં આવીને ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણા પર છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ધાર્મિકને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે તપાસ શરુ કરી
હત્યાની આ ઘટના બાદ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ધાર્મિકને હોસ્પિટલ લાવનાર તેના ભાણેજે શરૂઆતમાં ડૉક્ટરો અને પોલીસને જણાવ્યું હતું કે, ઘંટેશ્વર પાસે અકસ્માત થયો છે. જોકે, પોલીસે મૃતદેહની તપાસ કરતા મૃતકની છાતીમાં તીક્ષ્ણ હથિયારનો ઊંડો ઘા સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો, જેના કારણે હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આરોપી મયુર લઢેરની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ નાઈટ પેટ્રોલિંગમાં થયેલી બેદરકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
