Jasdan Accident: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં જૈન સાધ્વી શ્રુતનિધિજીનું દુઃખદ અવસાન થયું છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેના પગલે સમગ્ર જૈન સમાજમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
કારને અકસ્માત નડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, જૈન સાધ્વીઓ અને કેટલાક સેવકો કાર મારફતે જસદણથી જૂનાગઢ તરફ વિહાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.
ઘટનાસ્થળે મોત થયું
ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ટક્કર બાદ કાર ખરાબ રીતે દબાઈ જતાં ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે ગેસ કટર વડે કારના પતરાં કાપીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૈન સાધ્વી શ્રુતનિધિજીના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તોમાં ઘેરા શોકની લાગણી જન્મી છે. પોલીસે અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ હાથ ધરી છે.
