Rajkot: ગોંડલમાં જાટ યુવકનું રહસ્યમય મોત અંગે ગુજરાત હાઈકોર્ટે નવેસરથી તપાસનો હુકમ કર્યો, સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને તપાસ સોંપાઈ

પીડિત પરિવાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરતી રિટ અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી. સુથારે સમગ્ર કેસની તપાસ નવેસરથી અને ફરીથી કરવા માટે આદેશ આપ્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 16 Oct 2025 10:18 AM (IST)Updated: Thu 16 Oct 2025 10:18 AM (IST)
gujarat-high-court-orders-fresh-probe-into-gondal-jat-youths-mysterious-death-sp-premsukh-delu-assigned-621505
HIGHLIGHTS
  • હાઈકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુને સોંપી છે.
  • આ તપાસમાં તેમને ધ્રાંગધ્રાના DySP જી. ડી. પુરોહિત સહાયક તરીકે સાથે રહેશે.

Rajkot News: ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ અને ત્યારબાદ અકસ્માતમાં રાજસ્થાની જાટ યુવકના રહસ્યમય મોતનો કેસ હવે હાઈકોર્ટના સીધા મોનિટરિંગ હેઠળ આવી ગયો છે. પીડિત પરિવાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરતી રિટ અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી. સુથારે સમગ્ર કેસની તપાસ નવેસરથી અને ફરીથી કરવા માટે આદેશ આપ્યો છે.

સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને તપાસ

હાઈકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુને સોંપી છે. આ તપાસમાં તેમને ધ્રાંગધ્રાના DySP જી. ડી. પુરોહિત સહાયક તરીકે સાથે રહેશે. આ અગાઉ, કેસની તપાસમાં પોલીસની વાહિયાત અને અનેક શંકાઓ ઊભી કરતી કામગીરીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક પોલીસનો ઉધડો લીધો હતો.

હાઈકોર્ટે બહુ ગંભીર ટકોર કરી હતી કે, પ્રથમદર્શનીય રીતે જ આ કેસ અન્ય સ્વતંત્ર તપાસનીશ એજન્સીને ટ્રાન્સફર કરવા માટેનો ફીટ કેસ જણાય છે. કોર્ટે અનેક શંકાસ્પદ અને વિરોધાભાસી વાતોને ધ્યાનમાં લઈને જાટ યુવકના મર્ડરની ગંભીર આશંકા પણ વ્યક્ત કરી હતી.

રહસ્યમય ઘટનાક્રમ સામે સવાલ

પીડિત પરિવારજનોના આક્ષેપો મુજબ, જાટ યુવક 3જી માર્ચથી લાપતા હતો. બાદમાં, તેના પિતાએ હેબિયર્સ કોર્પસ અરજી ફાઈલ કરવાની તજવીજ હાથ ધરતા પોલીસ દ્વારા જણાવાયું કે એક લાશ મળી છે. પહેલીવાર પોસ્ટમોર્ટમ (PM) કરાયા બાદ, પરિજનોની માંગણીથી બીજી વખત PM રિપોર્ટ કરવામાં આવ્યો જેમાં મરનાર યુવકના શરીર પર 42 જેટલી ગંભીર ઈજાઓના નિશાન સામે આવ્યા હતા. આ વિવાદ વચ્ચે અચાનક એક લક્ઝરી બસ ડ્રાઈવરે હાજર થઈને અકસ્માત સર્જ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. પરિવાર દ્વારા જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલને પોલીસ બચાવી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

નવી તપાસ અને મોનિટરિંગ

હાઈકોર્ટે નવા SPને કેસની ફેરતપાસ માટે ઈચ્છે તો નવી તપાસ ટીમ પણ બનાવવાની છૂટ આપી છે. તેમને ખોવાયાની ફરિયાદ, અકસ્માત, ડેડબોડી, એફએસએલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી સહિત તમામ બાબતોની તટસ્થ, નિષ્પક્ષ અને સાયન્ટિફિક તપાસ કરવાની રહેશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ કેસની તપાસ પર હાઈકોર્ટનું મોનિટરિંગ રહેશે. SP ડેલુને બે મહિના બાદ, 10મી ડિસેમ્બરના રોજ, કેસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો હુકમ કરાયો છે.