Rajkot-Porbandar Train Update: પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને રાજકોટ વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રિય શ્રમ, રોજગાર, યુવા મામલા અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના પ્રયત્નોને પગલે રેલવે બોર્ડે આ નવી ટ્રેનોને મંજૂરી આપી છે, જે આ બંને શહેરો વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો લાવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09561 રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ 14 નવેમ્બર 2025 ના રોજ રાજકોટ સ્ટેશનેથી સવારે 10:30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 14:40 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેન
ટ્રેન નંબર 59561 રાજકોટ-પોરબંદર દૈનિક પેસેન્જર ટ્રેન 15 નવેમ્બર 2025 થી નિયમિતપણે શરૂ થશે. આ ટ્રેન રાજકોટથી સવારે 8:35 વાગ્યે ઉપડીને બપોરે 13:15 વાગ્યે પોરબંદર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેન પોરબંદરથી બપોરે 14:30 વાગ્યે ઉપડશે અને 18:55 વાગ્યે રાજકોટ પહોંચશે. આ સેવાઓ દૈનિક ધોરણે ઉપલબ્ધ રહેશે.
પોરબંદર-રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન (સાપ્તાહિક 5 દિવસ)
ટ્રેન નંબર 59564 પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેન (ગુરુવાર અને રવિવાર સિવાય સપ્તાહમાં 5 દિવસ) 15 નવેમ્બર 2025 થી કાર્યરત થશે. આ ટ્રેન પોરબંદરથી સવારે 7:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને 12:35 વાગ્યે રાજકોટ પહોંચશે.
બીજી ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન (બુધવાર અને શનિવાર સિવાય સપ્તાહમાં 5 દિવસ) 16 નવેમ્બર 2025 થી શરૂ થશે. આ ટ્રેન રાજકોટથી બપોરે 14:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 20:30 વાગ્યે પોરબંદર પહોંચશે.
મુસાફરી દરમિયાનના સ્ટોપેજીસ
ઉપરોક્ત તમામ નવી ટ્રેનો ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાલિયા અને રાણાવાવ સ્ટેશનો પર બંને દિશામાં રોકાણ કરશે.
વર્તમાન ટ્રેનના સમયમાં ફેરફાર
નવી ટ્રેનોના સંચાલનને કારણે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે પોરબંદરથી હાલના 14:35 વાગ્યાના બદલે 16:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાજકોટ સ્ટેશન પર 18:55 વાગ્યાની જગ્યાએ 21:20 વાગ્યે પહોંચશે. આ ફેરફાર પણ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
