Jasdan father-daughter suicide case: જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. પિતા ફયાઝ પરીયાણીએ પોતાની અઢી વર્ષની માસૂમ પુત્રી નૂરફાતેમાને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી બંને આરોપીને અમદાવાદથી રાઉન્ડઅપ કર્યા છે.
પુત્ર-પુત્રી અને પત્ની સાથે ફયાઝનો પરિવાર
આ કેસ અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ફયાઝના લગ્ન સાત વર્ષ પૂર્વે જૂનાગઢની ફિરદોસ સાથે થયા હતા, અને તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી નૂરફાતેમા હતા. બે મહિના પહેલાં ફયાઝના પરિવારને જાણ થઈ હતી કે ફિરદોસને જસદણના જ હુસેન ઉર્ફે લાલા અસલમ ખિમાણી સાથે પ્રેમસંબંધ હતો.
પત્ની અને તેના પ્રેમીનો ત્રાસ, કારણ શું?
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, થોડા દિવસ પહેલાં જ ફિરદોષ પોતાના પ્રેમી લાલા ખીમાણી સાથે ઘર છોડીને જતી રહી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે, 'હું લાલા સાથે જ રહીશ.' વધુમાં દીકરીની કસ્ટડી મેળવવા માટે પત્ની અને તેના પ્રેમી દ્વારા મૃતક યુવકને સતત ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. પત્નીનો પ્રેમી લાલા ખીમાણી ફયાઝને ફોન પર ધમકીઓ આપી પુત્રીને સોંપી દેવા દબાણ કરતો હતો.
પુત્રી સાથે ટાંકીમાં ઝંપલાવી કર્યો આપઘાત
આ સતત ધમકીઓ અને ત્રાસથી કંટાળીને અંતે યુવાને આત્યંતિક પગલું ભર્યું હતું. બનાવની રાત્રે માસૂમ નૂરફાતેમા ખૂબ રડતી હોવાથી ફયાઝ અને તેની માતા આખી રાત જાગ્યા હતા. સવારે 7 વાગ્યે બાળકી સૂઈ જતાં ફયાઝે તેની માતા હસીનાબેનને થોડીવાર સુઈ જવા કહ્યું હતું. માતા પૌત્ર સાથે સૂઈ ગયા બાદ ઘરમાં તપાસ કરતા ફયાઝ અને માસૂમ નૂરફાતેમા બંને પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પત્ની-પ્રેમી સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો
જસદણ પોલીસે મૃતક યુવકની માતા હસીનાબેન પરીયાણીની ફરિયાદના આધારે પલાયન થઈ ગયેલી પુત્રવધૂ ફિરદોષ અને તેના પ્રેમી હુસેન ઉર્ફે લાલા અસલમ ખિમાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફયાઝને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપસર બંને આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
BNS કલમ 108 (પૂર્વ IPC કલમ 306 - આત્મહત્યા માટે દુષ્પ્રેરણ) હેઠળ ગુનો નોંધ્યા બાદ હાલ જસદણ પોલીસે બંને આરોપીઓને અમદાવાદથી રાઉન્ડઅપ કર્યા છે. જે બાદ પોલીસ ટીમ બંને આરોપીને જસદણ લાવીને વધુ પૂછપરછ તથા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
