UpdatedIST

Rajkot: દબાણકારોને છેલ્લી ચેતવણી! સોમવારથી ડિમોલિશન માટે તૈયાર વહીવટી તંત્ર, 3 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત

આગામી 23 ફેબ્રુઆરીથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 21 Feb 2026 03:05 PM (IST)Updated: Sat 21 Feb 2026 03:13 PM (IST)
rajkot-corporation-and-police-warn-people-to-vacate-homes-before-mega-demolition-696159
HIGHLIGHTS
  • રાજકોટ ડિમોલિશન ઝુંબેશ અંતર્ગત કામગીરી શરૂ
  • દબાણકર્તાઓને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા કહ્યું
  • સોમવારથી ડિમોલિશન કાર્યવાહીનું બુલડોઝર ચાલશે

Rajkot Mega demolition: આજે શનિવારે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ડિમોલિશન ઝુંબેશ હેઠળ જંગલેશ્વર સહિત રાજકોટના અનેક વિસ્તારોમાં 1,400 થી વધુ ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવશે.

રાજકોટમાં મેગા ડિમોલિશન કાર્યવાહી 

રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માટે શહેરના ભક્તિનગર સર્કલ નજીક શેઠ હાઈસ્કૂલ ખાતે મોટા કોર્પોરેશનના 1,200 થી વધુ અધિકારી અને પોલીસ વિભાગના 2,000 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ એકઠા થયા હતા.

1400 થી વધુ ગેરકાયદે મિલકતોને નોટિસ   

મળતી માહિતી મુજબ, રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400 થી વધુ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના 800થી વધુ અને પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ એકત્ર થયા છે. આ સાથે ત્રણેય ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે.

દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવાશે

આજે 21 ફેબ્રુઆરી, શનિવારના રોજ 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. જે દરમિયાન દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે. સવારથી શરૂ થયેલી આ કામગીરી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. જંગલેશ્વરની 78 જેટલી સોસાયટી-ગલીઓમાં જઈ દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે.

મ્યુનિ. કમિશનર ખુદ કરશે નિરીક્ષણ 

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે, "જંગલેશ્વર વિસ્તારમાં નદીકાંઠા અને TP રોડ પર આવતી 1,489 જેટલી ગેરકાયદેસર મિલકતો પર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરી છે. હાલ લોકોને સમજાવીને સ્વૈચ્છિક ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જે લોકો સહકાર આપે છે તેમને તંત્ર સાધનોની મદદ પણ કરી રહ્યું છે. આવતીકાલથી હું પોતે કંટ્રોલરૂમમાં બેસી નિરીક્ષણ કરીશ."

જંગલેશ્વરના પરિવારોએ વ્યથા ઠાલવી

ડિમોલિશનની આ પ્રક્રિયા વચ્ચે અનેક પરિવારો લાચાર બન્યા છે. જંગલેશ્વર શેરી નંબર 3 માં રહેતા અને જન્મથી દિવ્યાંગ એવા હારુનભાઈ સુમરાએ ડૂસકું ભરતા જણાવ્યું કે, "હું 43 વર્ષથી અહીં રહું છું. હું અને મારી બહેન બંને દિવ્યાંગ છીએ. મજૂરી કરીને આ ઘર બનાવ્યું હતું. બે દિવસ પહેલા જ જાણ કરવામાં આવી કે મકાન તોડાશે. અમે કલેક્ટર કચેરીએ પણ ગયા, પણ કોઈ રસ્તો ન નીકળ્યો. હવે અમારે રોડ પર રહેવાનો વારો આવ્યો છે."

રહીશ હલીમબેને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "50 વર્ષથી અહીં વસવાટ કરીએ છીએ. તંત્રએ મકાન ખાલી કરવા કહી દીધું પણ 8 વ્યક્તિના પરિવારને કોઈ ભાડે મકાન આપવા તૈયાર નથી. હવે રોડ પર આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી."

સોમવારથી શરૂ થશે ડિમોલિશન કાર્યવાહી

18 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, 23 ફેબ્રુઆરીની સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કિનારે 1,492 ગેરકાયદેસર અતિક્રમણને બુલડોઝર દ્વારા દૂર કરીને મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ માટે, તમામ વિભાગો સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અધિકારીઓ આ વિસ્તારના લોકોને બે દિવસમાં જાતે જ પોતાના ઘર ખાલી કરવા સૂચના પણ આપી રહ્યા છે, અન્યથા કોઈપણ જાનમાલના નુકસાન માટે વહીવટી તંત્ર જવાબદાર રહેશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.