Gujarat Prohibition Case: રાજકોટની અદાલતે દારૂના સેવન અંગે પ્રોહિબિશનના કેસોમાં પોલીસની બેદરકારી સામે લાલ આંખ કરી છે. રાજકોટના પ્રિન્સિપલ સિવિલ જજ વી. કે. બંસલે છેલ્લા એક મહિના દરમિયાન આશરે 80 જેટલા પ્રોહિબિશન કેસોને રદ કરી દીધા છે. પોલીસે આ કેસોમાં પુરાવા તરીકે અત્યંત આવશ્યક FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ રજૂ ન કરતા અદાલતે આ ચુકાદા આપ્યા હતા.
વૈજ્ઞાનિક પુરાવા વગર ગુનો કેવી રીતે સાબિત થાય?
આ કેસોની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વી. કે. બંસલે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું કે, પોલીસ જ્યારે આરોપનામું (ચાર્જશીટ) રજૂ કરે છે, ત્યારે તેની સાથે FSL રિપોર્ટ હોવો અનિવાર્ય છે. એફએસએલ રિપોર્ટ વિના એ કેવી રીતે સાબિત કરી શકાય કે આરોપીએ કાયદાકીય મર્યાદા કરતા વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કર્યું છે? વૈજ્ઞાનિક પુરાવાના અભાવે કોર્ટમાં આ કેસો ટકી શક્યા નહોતા.
FSL રિપોર્ટ વગરના 40 કેસ તો દાખલ થતા જ રદ
માહિતી અનુસાર, દારૂ પીવાના કુલ 80 કેસોમાંથી 40 કેસો તો એવા હતા કે જેમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી તે સમયે જ કોર્ટે તેને ફગાવી દીધા હતા. FSL રિપોર્ટ ન હોવાને કારણે અદાલતે આ કેસોની નોંધ લેવાનો જ ઈનકાર કરી દીધો હતો. પોલીસની આ કામગીરી પર ઉઠેલા સવાલ બાદ હવે આગામી સમયમાં તપાસની પદ્ધતિમાં ફેરફાર આવે તેવી શક્યતા છે.
અદાલતની કાર્યવાહી અંગે સરકારી વકીલનું નિવેદન
આ મામલે સરકારી વકીલ જે. વી. જોશીએ જણાવ્યું હતું કે, પોલીસે એફએસએલ રિપોર્ટ જોડ્યા વગર જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ એક કાયદાકીય ચૂક છે, કારણ કે આવા સંવેદનશીલ કેસોમાં આલ્કોહોલનું પ્રમાણ સાબિત કરવા માટે એફએસએલ રિપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે, જેના વિના અદાલત કેસ આગળ ચલાવી શકે નહીં.
