Rajkot: એકલવાયું જીવન જીવતા વૃદ્ધનું શંકાસ્પદ મોત, મૃતકની આંખ ભેદી રીતે ગાયબ થતાં અનેક તર્ક-વિતર્ક

પાડોશી મહિલા જમવાનું આપવા ગયા, ત્યારે ઓરડીનો દરવાજો આડો હતો. આથી પાડોશીએ ધક્કો મારતા અંદર વૃદ્ધ બેભાન હાલતમાં પડેલા હતા અને ડાબી આંખ નહતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 09 Dec 2025 06:44 PM (IST)Updated: Tue 09 Dec 2025 06:44 PM (IST)
rajkot-crime-news-88-years-old-deadbody-found-in-prahlad-plot-652407
HIGHLIGHTS
  • પ્રહલાદ પ્લોટમાં ભાડાની ઓરડીમાંથી લાશ મળી
  • વૃદ્ધની આંખો ઉંદર ખાઈ ગયા કે કોઈ કાઢી ગયું?

Rajkot: શહેરના પ્રહલાદ પ્લોટમાં 88 વર્ષના વૃદ્ધના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. વૃદ્ધના મૃત્યુ બાદ તેની એક આંખ ભેદી રીતે ગાયબ હોય અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

મૃતક વૃદ્ધ ભાડાની ઓરડીમાં ઘણા વર્ષોથી એકલવાયું જીવન જીવતા હતા. પાડોશી સવારે જમવાનુ આપવા ગયા, ત્યારે વૃદ્ધ ઓરડીમાં બેભાન પડેલા હતા. જેથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. આંખ ઉંદર ખાઇ ગયા કે, કોઇ કાઢી ગયું? જેથી તબીબો દ્વારા શંકાસ્પદ કેસમાં મૃતદેહનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પ્રહલાદ પ્લોટ શેરી નં.33માં ગોકુલ નિવાસ નામના મકાનમાં ભાડાની ઓરડીમાં રહેતા અમૃતલાલ કુરજીલાલ મારુ (ઉ.વ.88)નામના દરજી વૃદ્ધ આજે સવારે તેની ઓરડીમાં બેભાન હાલતમાં મળી આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

મૃતક વૃદ્ધ પાંચ ભાઇ ચાર બહેનમાં મોટા અને અગાઉ દરજી કામ કરતા હતા. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે જેમાંથી બંને દિકરાના અગાઉ મૃત્યુ નિપજ્યા હોય વૃદ્ધ છેલ્લા ઘણા વર્ષોથી ભાડાની ઓરડીમાં એકલવાયુ જીવન જીવતા હતા. પાડોશમાં રહેતા આરતીબેન નામના મહિલા દરરોજ વૃદ્ધને જમવાનું આપી જતા હતા.

આરતીબેનના જણાવ્યા મુજબ, વૃદ્ધ હાલમાં બિમાર હોય તેઓ રવિવાર તેમને જમવાનુ આપવા ગયા હતા. ગઇકાલે તેમને પ્રસંગ હોવાથી આખો દિવસ બહાર ગયા હતા. આજે સવારે વૃદ્ધને જમવાનુ આપવા ગયા ત્યારે ડેલી અને ઓરડીનો દરવાજો અડધો ખુલ્લો હોય અને ઓરડીમાં વૃદ્ધ બેભાન હાલતમાં પડ્યા હતા.

મૃતક વૃધ્ધની ડાબી આંખ ગાયબ હોવાથી અનેક રહસ્યો સર્જાયા હતા. પાડોશી દ્વારા તેમના વિસ્તારમાં ઉંદરો હોવાથી આંખ ઉંદર ખાઇ ગયા હોવાની શંકા વ્યકત કરી હતી. જો કે, તબીબો દ્વારા આંખ ઉંદર ખાઇ ગયા કે, કોઇ કાઢી ગયુ તે અંગે હકીકત જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા ભલામણ કરતા ફોરેન્સિક વિભાગ દ્વારા ફોરેન્સિક પીએમ કરવા તજવીજ હાથ ધરી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્યના આટા પાટા પરથી પડદો ઉચકાશે.