Yi-Gardi Campus Connect 2026: સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ માટે કારકિર્દીની શ્રેષ્ઠ તક ઘરઆંગણે આવી છે. શ્રીમતી ટી વી મહેતા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રાજકોટની જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ અને યંગ ઈન્ડિયન્સ (Yi) સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 12 ઓગસ્ટ, 2026 ના રોજ 'Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટ 2026' અંતર્ગત એક વિશાળ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
50 કંપનીઓ અને વિવિધ 300 જગ્યા
આ રોજગાર મેળામાં દેશ અને રાજ્યની નામાંકિત 50 થી વધુ કંપનીઓ એક જ સ્થળે હાજર રહેશે, જેઓ અંદાજે 300 જેટલી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરશે. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓને કુલ 1 કરોડ સુધીના પેકેજ મેળવવાની અને સફળ કારકિર્દીનો પાયો નાખવાની તક મળશે.
કયા ક્ષેત્રના ઉમેદવારો ભાગ લઈ શકશે?
આ જોબ ફેરમાં વિવિધ વિદ્યાશાખાના અનુભવી તેમજ બિનઅનુભવી (ફ્રેશર્સ) ઉમેદવારો માટે અનેક તકો છે, જેમાં મુખ્યત્વે IT અને કોમ્પ્યુટર, ડેટા સાયન્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, બેંકિંગ, ફાઈનાન્સ અને ઇન્શ્યોરન્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ઈવેન્ટ મેનેજમેન્ટ, મેડિકલ, પેરામેડિકલ અને હોસ્પિટાલીટી તથા એડવર્ટાઈઝિંગ ક્ષેત્રનો સમાવેશ થાય છે.
યુવાનો કેવી રીતે કરી શકશે રજીસ્ટ્રેશન?
સૌરાષ્ટ્રભરના તમામ કોલેજના ફાઈનલ તેમજ પ્રિ-ફાઈનલ યરના વિદ્યાર્થીઓ ઉપરાંત હાલમાં ક્યાંક નોકરી કરતા વર્કિંગ પ્રોફેશનલ પણ આમાં ભાગ લઈ શકે છે. રાજકોટ, જામનગર, ગોંડલ, અમરેલી અને પોરબંદર સહિતના સમગ્ર સૌરાષ્ટ્રના કોઈપણ શાખાના વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શકશે. ભાગ લેવા માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ www.gardividyapith.ac.in પર જઈને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે.
વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ
યંગ ઈન્ડિયન્સ સંસ્થાના આયોજનને મોટા ફલક પર લઈ જવા ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડાયરેક્ટર જય મહેતાના નેતૃત્વમાં સમગ્ર સંસ્થાના કર્મચારીઓ કાર્યરત છે. તેમણે આ ઉપલક્ષમાં તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી જણાવ્યું કે, આટલી મોટી સંખ્યામાં કંપનીઓ સાથેનો જોબ ફેર કોલેજના આંગણે થઈ રહ્યો છે. ત્યારે એનો વધુમાં વધુ લાભ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે કોલેજ દ્વારા ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ શહેરમાં અલગ અલગ પોઈન્ટ પરથી પૂરી પાડવામાં આવશે.
આ તકે સંસ્થાના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના હેડ પ્રો. રચિતા મહેતાએ જણાવ્યું કે, આજના સમયમાં AI તેમજ ટેક્નોલોજીના વિકાસ સાથે વિવિધ ક્ષેત્રે માનવ સંસાધનની માંગમાં ઘણો વધારો થયો છે. દરેક કંપનીમાં સ્માર્ટ અને મહેનતુ કર્મચારીઓની જરૂર વધી ગઈ છે. આ તકે સૌરાષ્ટ્રમાં વસતા વાલીઓને પણ અપીલ છે કે, પોતાના સંતાનનું સુરક્ષિત ભવિષ્ય ઈચ્છતા જાગૃત વાલીઓએ આ જોબ ફેર વિશે બાળક સાથોસાથ આસપાસમાં મિત્રો, સ્વજનોને પણ માહિતગાર કરવા જોઈએ.
