Rajkot: "વિકાસ કામો નહીં, તો મત નહીં" રાજકોટના નાગેશ્વરવાસીઓનો આક્રોશ, ચૂંટણીમાં 'NOTA' દબાવવાની ચીમકી

રસ્તા, પાણી, હોકર્સ ઝોન અને પોલીસ ચોકી સહિતની પડતર માંગણીઓ.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 15 Apr 2026 04:43 PM (IST)Updated: Wed 15 Apr 2026 04:43 PM (IST)
rajkot-nageshwar-residents-threaten-rmc-election-boycott-over-public-issues-728531
HIGHLIGHTS
  • રાજકોટના નાગેશ્વરવાસીઓમાં ભારે આક્રોશ
  • 'વિકાસના કામો નહીં-તો મત નહીં' નો નારો

Rajkot Municipal Corporation Election: રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા વોર્ડ નંબર 1 માં નાગેશ્વર વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી પ્રાથમિક સુવિધાનો ધરખમ અભાવ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યા પછી પણ વિકાસથી વંચિત રહેલા આ વિસ્તારના નાગરિકોએ ધીરજ ગુમાવી છે. હવે રહિશોએ એકજૂથ થઈને રેલી કાઢી તંત્ર તેમજ જનપ્રતિનિધિઓ સામે વિરોધ નોંધાવ્યો છે.

અધુરા રસ્તા સામે આચારસંહિતાનું બહાનું

રહેવાસીઓએ જણાવ્યું કે, શાંતિનગર અને નાગેશ્વર માટે ડામર રોડની ગ્રાન્ટ એક સાથે મંજૂર કરવામાં આવી હતી. જોકે, ભેદભાવભરી નીતિને કારણે શાંતિનગરમાં રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે નાગેશ્વર વિસ્તાર હજુ પણ રોડ વિહોણો જ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાન્ટ મંજૂર હોવા છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ન ચૂકવાતા રસ્તાનું કામ અધવચ્ચે અટકાવી દેવાયું છે. આ મામલે પૂર્વ કોર્પોરેટર ચૂંટણી આચારસંહિતાનું બહાનું ધરી રહ્યા છે. પરંતુ સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે આ કામ આચારસંહિતા લાગુ પડ્યા પહેલાથી જ બંધ હાલતમાં છે.

પાણી, સફાઈ અને દબાણની ગંભીર સમસ્યા

વિસ્તારના રહીશો માત્ર ખરાબ રસ્તાથી જ નહીં, પરંતુ અન્ય અસુવિધાઓથી પણ ત્રસ્ત છે. આ વિસ્તારમાં સાફ-સફાઈ અને કચરા કલેક્શનની કામગીરી યોગ્ય રીતે થતી નથી, તેમજ લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી. વધુમાં, નાગેશ્વર મેઈન રોડ પરના દબાણો તાત્કાલિક દૂર કરી રોડ પહોળો કરવાની અને ભવાની ચોકમાં ભરાતી શાકમાર્કેટના વ્યવસ્થાપન માટે અલગ 'હોકર્સ ઝોન' મંજૂર કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી છે.

પોલીસ ચોકીથી લઈને ગાર્ડન સુધીનો અભાવ

નાગેશ્વર વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે, જેને રોકવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ ચોકીની સુવિધા ઉભી કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ, આ વિસ્તારમાં બાળકો માટે ગાર્ડન, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા જેવી સામાન્ય અને પાયાની સગવડોનો પણ સદંતર અભાવ જોવા મળે છે.

MLA-ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ

વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સ્થાનિકોની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે નાગરિકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધારાસભ્ય સામે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી સમયમાં પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો નાગેશ્વરના રહેવાસીઓએ આગામી ચૂંટણીમાં 'નોટા' (NOTA) નું બટન દબાવીને શાસકો સામે પોતાનો વિરોધ નોંધાવવાની કડક ચીમકી ઉચ્ચારી છે.