Chandipura Virus: રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ ખાતે અતિ ગંભીર સ્થિતિમાં ચાંદીપુરા વાયરસથી પીડિત રાજ્યની સૌથી નાની વયની ૩ માસની બાળકીની સફળ સારવાર કરવામાં આવી છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. મોનાલી માકડિયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ સિવિલ ખાતે ચાંદીપુરા વાયરસ ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. અહીં ચાંદીપુરા અસરગ્રસ્ત બાળકને સતત 17 દિવસ સુધી સઘન સારવાર બાદ હાલ સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
આ અંગે પીડિયાટ્રિક હેડ ડૉ. પંકજ બુચે જણાવ્યું કે, ગત તા. 19 જુલાઈના રોજ ગોંડલ ખાતેથી એક બાળકને ચાંદીપુરા વાયરસની અસર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. જેને તરત જ PICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. નાના બાળકોના વિભાગની ટીમ દ્વારા તેને સતત 17 દિવસ સુધી સઘન સારવાર પુરી પાડવામાં આવી હતી. બાળકીના તમામ રિપોર્ટ નોર્મલ જણાતા હાલ તેમને રજા આપવામાં આવી છે.
બાળકીની સારવાર કરતા એસોસિએટ પ્રોફેસર ડૉ. પલક હપાણીએ જણાવ્યું છે કે, બાળકીને જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે તે કોમામાં હતી, લોહીનું પરિભ્રમણ સ્લો હતું, જેથી હૃદયના ધબકારા ધીમા પડી ગયેલા. બાળકીને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી જરૂરી સારવાર શરુ કરી દેવામાં આવેલી.
બાળકીને સતત સાત દિવસ સુધી વેન્ટિલેટર ત્યારબાદ ઓક્સીજન પર રાખવામાં આવી હતી. બાળકીને વાયરસની અસરથી મુક્ત કરવા જરૂરી દવાઓ સતત ચાલુ રાખવામાં આવી તેમજ સિનિયર ડોક્ટર્સની ટીમ દ્વારા તેનું સઘન મોનીટરીંગ કરવામાં આવતું. બાળકીની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ તેના એમ.આર.આઈ. સહિતના રિપોર્ટ્સ કરવામાં આવ્યા છે. જે નોર્મલ આવેલા છે, હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે.
મેડિકલ કોલેજના ડીન ડૉ. પંકજ બુચે વધુમાં જણાવ્યું છે કે,ચાંદીપુરા વાયરસગ્રસ્ત દર્દીની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો જોખમ ઘટાડી શકાય છે, જો પરિસ્થિતિ ગંભીર હોય તો ખાસ કરીને મગજ પર અસર થાય છે. જેના કારણે મલ્ટી ઓર્ગન ફેલ્યોરની સંભાવના રહે છે.
હાલ રાજકોટ સિવિલ ખાતે પી.આઈ.સી.યુ. માં નોડલ ઓફિસર, સિનિયર ડોક્ટર્સ તેમજ અન્ય તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા અન્ય બે શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
રાજકોટ સિવિલ ખાતે એકપણ રૂપિયાના ખર્ચ વગર બાળકીને નિઃશુલ્ક સારવાર દ્વારા નવજીવન મળતા બાળકીના માતા-પિતાએ ગળગળા થઇ સિવિલના તબીબોનો આભાર હતો.
આ બાળકીનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે, હાલ તેઓ ગોંડલના પાંચિયાવદર ગામ ખાતે રહી ખેત મજૂરી કરે છે. તેમનો પરિવાર માટીના ઘરમાં રહેતા હોવાથી બાળકીને ચાંદીપુરા વાયરસની અસર થયેલી હોવાનું ડૉ. મોનાલી માકડિયાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું છે.
બાળકને તાવ આવવો, ઉલટી કે ઉબકા આવવા, આંચકી આવવી, હૃદય કે મગજ પર અસર થયે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે સંપર્ક કરવા સિવિલ અધિક્ષકે વિનંતી કરી છે.
