Rajkot News: રાજકોટ શહેરમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ નજીકના વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાનું જાણવા મળી રહ્યું છે. સગીરાની માતા જે શખ્સ સાથે લિવ ઈનમાં રહેતી હતી, તે શખ્સે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આરોપીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરુ કરી છે.
શખ્સે ધમકી આપીને સગીરા પર દુષ્કર્મ આચર્યું
ગાંધીગ્રામ-2 પોલીસ મથકે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા, પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે મામલે પોલીસે જણાવ્યું કે, બાળકીની માતા થોડાક વર્ષોથી 150 ફૂટ રિગ રોડ પર રૈયાધાર પાસે રહેતા કાનો ઉર્ફે કરણ અશોકભાઈ ઘટાર નામના શખ્સ સાથે લગ્ન વગર રહેતી હતી. આ સમય દરમિયાન બંને વચ્ચે ઘરકંકાસ શરૂ થયો હતો. જેને લઇ કાનો બાળકીની માતા સાથે મારઝૂડ કરતો હતો. થોડા સમય પહેલા જ આરોપીએ બાળકીને તેની માતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.
માતાને સગીરાએ સઘળી હકીકત વર્ણવી
ઘટનાને પગલે ડરી ગયેલી બાળકીએ આ અંગે કોઈને વાત કરી ન હતી. ત્યારબાદ આરોપીએ અવારનવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા દિવસ પહેલા બાળકી તેની માતા સાથે પલંગ પર સૂતી હતી. ત્યારે ઘરે આવેલા આરોપીએ તેને નીચે સુવડાવી શારિરીક અડપલા કર્યા હતાં. મોડી રાત્રે તેની માતાની ઉંઘ ઉડતા બાળકીને આરોપી સાથે સૂતેલી જોઈ શંકા ગઈ હતી. આથી તે બાળકી સહિતના સંતાનોને લઇ તેના બહેન-બનેવીના ઘરે ચાલી ગઈ હતી.
માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
માતાએ બાળકીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા સઘળી હકીકત બહાર આવી હતી. આરોપીએ અનેકવાર ભાઈ અને માતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યાનું જણાવી દીધું હતું. જેને પગલે માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બીજી બાજુ આરોપી કાનાએ ઝેરી દવા ગટગટાવી લેતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
ઝેરી દવા પીતા આરોપીનું મોત
આરોપીના મોતને પગલે ગાંધીગ્રામ-2 પોલીસના પીઆઇ સી.એન.દવે અને સ્ટાફે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં જ્યારે બાળકીના બનેવી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.ત્યારે ફરિયાદ નોંધાવવાને બદલે ફરિયાદીને દિકરી અને બાપ સાથે સૂતા જ હોય છે. તેમ દુષ્કર્મ ન થાય તેમ કહી ફરિયાદી સાથે હડધૂત કર્યાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
