UpdatedIST

રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે ડિમોલિશન: તંત્રની તૈયારીઓ પૂર્ણ, આજે સ્થાનિકોએ ભારે હૈયે સ્વૈચ્છિક દબાણ હટાવ્યું

રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 23 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. આ માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 22 Feb 2026 06:18 PM (IST)Updated: Sun 22 Feb 2026 06:18 PM (IST)
rajkot-news-demolition-of-1489-illegal-houses-in-jungleshwar-tomorrow-696712

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનારી છે. 1489 ગેરકાયદેસર મકાનોના ડિમોલિશનની તૈયારીઓ વચ્ચે સ્થાનિકોમાં રોષ અને નિરાશા વ્યાપી છે. 23 ફેબ્રુઆરીએ હાથ ધરાનાર આ કાર્યવાહી પૂર્વે અનેક પરિવારોએ ભારે હૈયે સ્વૈચ્છિક રીતે પોતાના ઘરો ખાલી કર્યા છે.

ડિમોલિશન માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ

રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 23 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. આ માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજી નદી પટ્ટા અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ 21 ફેબ્રુઆરીથી જ થયો હતો, જેમાં સાંજ સુધીમાં ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કર્યા હતા. આ કાર્યવાહી માટે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

500થી વધુ લોકોએ સ્વૈચ્છિક રીતે મકાનો તોડ્યા

જંગલેશ્વર વિસ્તારમાં પહોંચતા દરેક ચોકમાં પોલીસ અને મહાપાલિકાના અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ સાથે જ 500થી વધુ લોકો પોતાના હાથે જ હથોડા અને ડ્રિલ જેવા સાધનો વડે પોતાના મકાનો તોડતા નજરે પડ્યા હતા. આ સ્વૈચ્છિક કાર્યવાહી દરમિયાન પણ પોલીસ અને ફાયર વિભાગ હાજર હતા. ઘરના સભ્યો, નાના-મોટા સૌ કોઈ ભારે હૈયે પોતાની છત ગુમાવી રહ્યા હતા. મનપા દ્વારા કાટમાળ ખસેડવા માટે ટ્રેક્ટર સહિતના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. જોકે, રમઝાન માસમાં આ કાર્યવાહી થતા લોકોમાં ભારે વસવસો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

બુલડોઝર ન ફેરવાય તે માટે અમે સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી રહ્યા છીએ

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પોલીસ અને સરકારે અમને સારો સપોર્ટ આપ્યો છે. બુલડોઝર ન ફેરવાય તે માટે અમે સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી રહ્યા છીએ. અમે આખા લતાવાળાઓએ ભેગા મળીને અમારા હાથે જ દબાણ દૂર કરી રહ્યા છીએ.આ સરકારી જગ્યા છે અને અમે સહકાર આપીએ છીએ. દુખ તો છે જ, પણ સરકારી જગ્યા છે શું કરી શકીએ? આ સરકારી જગ્યા છે એ 100 % અમે માનીએ જ છીએ, આટલા વર્ષો અહીં રહ્યા છીએ.

2005માં પતિના અવસાન બાદ મજૂરી કરીને દીકરાને મોટો કર્યો છે. સરકારે અગાઉ વૈકલ્પિક આવાસ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તે પૂરું કરવા તૈયાર નથી. સ્થાનિકોની માંગ છે કે જો તેમના મકાનો તોડવામાં આવે તો સરકારે તેમને વૈકલ્પિક આવાસ પૂરા પાડવા જોઈએ, જેથી તેઓ અને તેમના પરિવારો સલામત રીતે રહી શકે.

કયા વિસ્તારોમાં ડિમોલિશન?

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત એકતા કોલોની શેરી નં. 4 થી જંગલેશ્વર શેરી નં. 2, જંગલેશ્વર શેરી નં. 2 થી 22, જંગલેશ્વર શેરી નં. 22 થી 29-30, સરદાર પટેલ સ્મશાનથી જંગલેશ્વર શેરી નં. 15 સુધીનો 1500 મીટર પહોળાઈનો રસ્તો, જંગલેશ્વર શેરી નં. 15 થી બુદ્ધનગર શેરી નં. 1, બુદ્ધનગર શેરી નં. 1, જયભીમરાવ ચોકથી રાધા કૃષ્ણનગર શેરી નં. 18 અને રાધા કૃષ્ણનગર શેરી નં. 18 થી નાડોદા નગર મેઈન રોડ સુધીના વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવશે. જોકે, રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી જંગલેશ્વરના રહેવાસીઓમાં ઘરવિહોણા થવાની પીડા સ્પષ્ટપણે વર્તાઈ રહી છે, તેમ છતાં તંત્ર અને સ્થાનિકો વચ્ચે સહકારપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવ્યું છે.