Rajkot: રાજકોટ જિલ્લાનાં જસદણમાં બુટલેગરોને કાયદાનો ડર જ ન રહ્યો હોય એમ બેફામ બની ગયા છે. જસદણમાં આવેલા પોલારપર રોડ વિસ્તારમાં દારુનો દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર હુમલો કરીને ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો
દારુના દરોડા દરમિયાન આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જસદણ પોલીસ સ્ટેશનના PI જે.પી.ગોસાઈની સૂચનાથી ASI હરીશભાઈ વેસ્તાભાઈ ચૌધરી અને તેમની ટીમે પોલારપર રોડ પાસે આવેલી કિશોરભાઈ જીવાભાઈની વાડીમાં દેશી દારુનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે રાત્રે 20:00 વાગ્યાની આસપાસ દરોડો પાડતા સ્થળ પરથી દેશી દારુ ભરેલો પ્લાસ્ટિકનો કેરબો મળી આવ્યો હતો.જ્યારે પોલીસ આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ કરી રહી હતી.
4 શખ્સોએ પોલીસ પાસેથી મોબાઈલ ઝૂંટવ્યો
સ્થળ પર હાજર ચાર શખ્સોએ અચાનક જ પોલીસ કાર્યવાહીમાં અવરોધ પેદા કર્યો હતો. આરોપીઓએ મુખ્ય આરોપી અશ્વિનને દારુના જથ્થા સાથે ભગાડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી શરુ કરી દીધી હતી. ASI ચૌધરીએ વધારાની પોલીસ મદદ માટે ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આરોપીઓએ તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની પણ કોશિશ કરી હતી.
ફરજમાં રુકાવટ બદલ ફરિયાદ
આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 221 અને 54 હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં અશ્વિનભાઈ ઉર્ફે હસુ બીજલભાઈ સોલંકી (ઉંમર 28) , કિશોરભાઈ જીવાભાઈ રેણુકા (ઉંમર 65) , હસમુખભાઈ જીવાભાઈ રેણુકા (ઉંમર 68) ,દીનેશભાઈ કિશોરભાઈ રેણુકા (ઉંમર 36)ને છોડાવવા ધમાલ મચાવી હતી. આ મામલે પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને વધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા ચારેય આરોપીઓને કાબૂમાં લેવામાં આવ્યા હતા. તેમને જસદણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
