Rajkot: શહેરનાં લોધીકા તાલુકાનાં પારડી પડવલા રોડ પર આવેલા વૃંદાવન સોસાયટીમાં રહેતા બાળકને પાલતુ શ્વાને બચકું ભરી લેવા શ્વાન માલિક દંપતી વિરુદ્ધ શાપર વેરાવળ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનામા પડવલા રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાવનાબેન જયેશભાઇ વાઢેર (31)એ પોતાની ફરિયાદમાં પાડોશમાં રહેતા શ્વાનનાં માલિક ક્રિપાલભાઇ ચુડાસમા અને તેમના માતા સુનિતાબેન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોતાની ફરિયાદમાં ભાવનાબેને જણાવ્યુ કે, તેઓ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે . ગઇકાલે સવારનાં સમયે તેઓ રસોઇ બનાવતા હતા, ત્યારે ઘરની બહાર રાડારાડનો અવાજ આવતો હતો. આથી તે બહાર નીકળ્યા હતા અને ત્યા જઇને જોયુ તો તેમનાં નણંદના 11 વર્ષનો દીકરા આયુષને પાડોશમાં રહેતા ક્રિપાલભાઇની પાલતુ કૂતરીએ પગમા બટકુ ભરી લેતા તે રાડોરાડ કરતો હતો.
આથી ત્યા ક્રિપાલભાઇ હાજર હોય તેમને કૂતરીને અંદર રાખવાનુ કહેતા તે ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. જે બાદ તેમનાં માતા પણ બહાર આવી ગાળો બોલવા લાગ્યા હતા અને આયુષને તુરંત નજીકની ખાનગી હોસ્પીટલમા લઇ જઇ સારવાર કરાવી હતી . આ ઘટના મામલે શાપર-વેરાવળ પોલીસે ગુનો નોંધ્યો હતો.
