Rajkot: જસદણ પંથકના આટકોટમાં 2012માં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી ઘટના સામે આવી છે. જેમાં સીમમાં મજૂરી કરતા પરિવારની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હેવાન બનેલા નરાધમે સળિયા જેવું હથિયાર ગુપ્તાંગમાં ઘૂસાડી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આટકોટ પોલીસ મથકની હદમાં આવતા એક ગામની વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતરમાં ખેત મજૂરી કરે છે. ગત 4 ડિસેમ્બરના રોજ આ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરતો હતો, ત્યારે પરિવારની 6 વર્ષની બાળકી વાડીમાં જ રમી રહી હતી.
આ દરમિયાન અજાણ્યો ઈસમ આવ્યો હતો અને વાડીમાં રમી રહેલી બાળકીને ઉઠાવી ગયો હતો. આ ઈસમે બાળકીનું મોંઢુ દબાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. આટલું જ નહીં, બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડીને તેને લોહીલુહાણ હાલતમાં કણસતી મૂકીને ભાગી છૂટ્યો હતો.
થોડીવાર બાદ પરિવારજનોએ બાળકીને શોધવા નીકળ્યો, ત્યારે વાડીની નજીક અવાવરું જગ્યાએ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શ્રમિક પરિવાર તાત્કાલિક બાળકીને લઈને સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં હાલ બાળકીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપ્યો
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારના નિર્દેશ મુજબ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર સાહેબના નેતૃત્વમાં જિલ્લા પોલીસની દસ જેટલી ટીમો બનાવવામાં આવી હતી.
આ ટીમો દ્વારા તાત્કાલિક બનાવ સ્થળની આજુબાજુના આશરે 140 જેટલા શકમંદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે આસપાસના વિસ્તારના CCTV કેમેરા ચેક કરી, તેમજ ટેક્નિકલ સોર્સ, ટાવર ડમ્પ, CDR અને બાતમીદારોના નેટવર્કથી માહિતી મેળવી ગણતરીના કલાકોની અંદર જ આ ગુનો ડીટેક્ટ કરી આરોપીને ડીટેઇન કરવામાં આવ્યો છે.
