હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! 14 દિવસમાં 3 બાળકોના શંકાસ્પદ મોત, 1 કેસ પોઝિટિવ

સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા. 3 બાળકોના શંકાસ્પદ મોત થયા છે, જેમાં 1 કેસ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલમાં અલગ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 10 Jul 2026 09:55 AM (IST)Updated: Fri, 10 Jul 2026 09:55 AM (IST)
chandipura-virus-outbreak-himmatnagar-civil-hospital-3-children-death-1-positive-case

Chandipura Virus: સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે ભરડો લીધો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયા (26 જૂનથી 9 જુલાઈ)ચાંદીપુરા વાયરસના કુલ 7 શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ ગંભીર પરિસ્થિતિમાં કુલ 3 બાળકોના મોત થયા છે. જેમાંથી એક બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. અને દર્દીઓ માટે ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગોધરાના બે ગામમાં બે બાળકોના મોત થયા

ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. આરોગ્ય વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. આરોગ્ય મંત્રી પાનશેરીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બે ગામોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો બાદ લેબોરેટરી રિપોર્ટમાં બે બાળકોના ચાંદીપુરા વાયરસથી દુઃખદ મૃત્યુ થયાની પુષ્ટિ થતાં જ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક અને વધુ ગંભીર બન્યું છે

બે બાળકો સિવિલમાં સારવાર હેઠળ

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલ સાબરકાંઠાની 3 વર્ષીય જાનકીબેન લુકાભાઈ પરમાર અને રાજસ્થાનની 2 વર્ષીય પાયલ રોહિત પારઘીની સારવાર ચાલી રહી છે. આ બંને બાળકીના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. જ્યારે બીજી બાજુ વિજયનગરના બિલડીયા ગામનો મનસ્વી અલ્પેશભાઈ બોડાત (3 વર્ષ)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હોવાથી તે ઘરે પરત ફર્યો છે. તેમજ એક વધુ બાળકી 3 વર્ષીય આકૃતિ ગોહિલભાઈ પરમાર ( દેમતી મેરા ગામ, પોશીના)ને દાખલ કરાઈ હતી. પરંતુ તે ડોક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ જતી રહી હતી. હાલ તેનો રિપોર્ટ પણ પેન્ડિંગ છે.

શંકાસ્પદ પરિસ્થિતિમાં ત્રણ બાળકોના મોત

સાબરકાંઠામાં હાલ ચાંદીપુરા વાયરસને લીધે ગંભીર સ્થિતિ છે. મૃતક બાળકો પૈકી 6 વર્ષીય રાજકુમાર મુકેશભાઈ ડામોર ( રહે. બાબારી ગામ, તાલુકા ખેરવાડા , જિલ્લા ઉદેપુર, રાજસ્થાન)ના મોતના ત્રણ દિવસ પછી રિપોર્ટ કરવામાં આવ્યો તો તેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ પોઝીટિવ આવ્યો હતો. ઉપરાંત મૃતક પૈકીનો 3 વર્ષીય પ્રિન્સ લેબાભાઈ ખરાડી (બનોદરા ગામ, બનાસકાંઠા)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે ત્રીજી મૃતક 11 વર્ષયય કાવ્ચા મુન્નાભાઈ નાયક (વેજલપુરા વ્ચાસડા પંચમહાલ જિલ્લા)નું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. જેના સેમ્પલ લેવાયા છે, પરંતુ તેનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.

સિવિલમાં દર્દીઓ માટે અલગ વોર્ડ

હિમતનગર સિવિલના આરએમઓ ડો. વિપુલ જાનીના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કેસોની વિગતો જિલ્લા આરોગ્ય વિભાગને પહોંચાડવામાં આવી રહી છે. બાળ દર્દીઓની ખાસ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓના રિપોર્ટ મળશે ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓના રહેઠાણ અને આસપાસના વિસ્તારોમાં જંતુ નિયંત્રણ, સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવે છે.