UpdatedIST

સાબરકાંઠામાં 'સફેદ ઝેર' નું કારખાનું ઝડપાયું: ડિટર્જન્ટ અને યુરિયામાંથી બનતું હતું નકલી દૂધ; 4 શખ્સોની ધરપકડ

તંત્ર દ્વારા આ ઝેરી ફેક્ટરીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. જપ્ત કરાયેલા દૂધ અને છાશના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 08 Feb 2026 03:22 PM (IST)Updated: Sun 08 Feb 2026 03:22 PM (IST)
duplicate-milk-factory-busted-in-salal-village-of-sabarkantha-four-accused-arrested-688160

Sabarkantha News: ગુજરાતમાં દૂધના કાળા કારોબારનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં ચાલતા નકલી દૂધના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં લોકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા કેમિકલયુક્ત દૂધ અને છાશનું ઉત્પાદન કરવામાં આવતું હતું.

બાતમીના આધારે દરોડો

સાબરકાંઠા પોલીસને સચોટ બાતમી મળી હતી કે સલાલ રેલ્વે ક્રોસિંગ પાસે આવેલી એક ખાનગી ફેક્ટરીમાં ભેળસેળયુક્ત અને કેમિકલવાળું દૂધ તૈયાર થઈ રહ્યું છે. આ બાતમીના આધારે એલસીબીએ એફ.એસ.એલ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ત્યાં દૂધના નામે જીવલેણ પ્રવાહી તૈયાર કરવામાં આવતું હતું. સ્થળ પરથી અંદાજે ₹71.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કેવી રીતે બનતું હતું ‘કેમિકલયુક્ત’ દૂધ?

આરોપીઓ અઢળક કમાણી કરવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ક્રૂર રમત રમી રહ્યા હતા. નકલી દૂધ બનાવવા માટે તેઓ નીચે મુજબના પદાર્થોનો ઉપયોગ કરતા હતા:

  • ડિટર્જન્ટ પાવડર: દૂધમાં કુદરતી જેવું ફીણ લાવવા માટે કપડાં ધોવાનો પાવડર વાપરવામાં આવતો હતો.
  • યુરિયા ખાતર અને કોસ્ટિક સોડા: દૂધની ઘનતા (Density) વધારવા અને ફેટનું પ્રમાણ જાળવી રાખવા માટે ખેતીમાં વપરાતું યુરિયા અને કોસ્ટિક સોડા ઉમેરવામાં આવતું હતું.
  • તેલ અને પાવડર: પામોલિન અને સોયાબીન તેલ તેમજ એસ.એમ.પી (SMP) અને વ્હે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરી કૃત્રિમ રીતે દૂધ જેવું મિશ્રણ તૈયાર કરાતું હતું.

આ નકલી દૂધને આકર્ષક પેકિંગમાં ‘તાજા’ અને ‘ગોલ્ડ’ મિલ્કના નામે અલગ-અલગ પાર્લરો અને ગામડાઓમાં વેચવામાં આવતું હતું.

આરોપીઓની ધરપકડ અને મુખ્ય સંચાલક ફરાર

પોલીસે આ મામલે સ્થળ પરથી ચાર શખ્સોની ધરપકડ કરી છે અને એક સગીરની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર પટેલ (અમદાવાદ), સચિન મકવાણા, કરણ પરમાર અને અજય પરમાર (તમામ રહે. સલાલ) નો સમાવેશ થાય છે. જોકે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરી માલિક રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

તંત્ર દ્વારા કડક કાર્યવાહી

તંત્ર દ્વારા આ ઝેરી ફેક્ટરીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. જપ્ત કરાયેલા દૂધ અને છાશના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ નકલી દૂધ કયા-કયા શહેરો અને પાર્લરોમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ ઘટના બાદ સમગ્ર સાબરકાંઠા પંથકમાં હાહાકાર મચી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.