Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક લવ જેહાદના પ્રયાસનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં જ્વેલર્સના કર્મચારીએ પોતાની હિન્દુ ઓળખ આપીને કસ્ટમરની સગીર દીકરીને પોતાની જાળમાં ફસાવી હતી. જો કે પોતે વિધર્મી હોવાનો ભાંડો ફૂટી જતાં તેણે પરિવારને બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કર્યું હતુ. આ મામલે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
જ્વેલર્સના શૉ રૂમમાં ફિડ બેક ફોર્મમાં લખેલો નંબર મેળવી પાછળ પડી ગયો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હિંમતનગરનો એક પરિવાર પોતાની દીકરીના લગ્ન પ્રસંગ માટે દાગીનાની ખરીદી કરવા માટે શહેરના જાણીતા જ્વેલર્સનો શૉ રૂમમાં ગયો હતો. જ્યાં મહોમ્મદ શાકીર સરકાર મહોમ્મદ શેખ નામના કર્મચારીએ પોતાની અજય તરીકે ઓળખ આપી પરિવાર પાસે ફીડ બેક ફોર્મ ભરાવ્યું હતુ. જેના દ્વારા સગીરાના પરિવારનું સરનામું અને મોબાઈલ સહિતની વિગતો મેળવી લીધી હતી.
જે બાદ ફોન નંબરના આધારે શાકીરે અજય બનીને પરિવારની દીકરી સાથે ફોન પર સંપર્ક સાથેની મિત્રતા કેળવી હતી. આ દરમિયાન બહાર રેસ્ટોરન્ટમાં ફરવા ગયા, ત્યારે આરોપીએ બન્નેના ફોટા પણ પાડી લીધા હતા.
ઘરેથી દાગીના લઈને અજમેર ભાગી જવા દબાણ કરવા લાગ્યો
ગત ડિસેમ્બર મહિનામાં આરોપીએ સગીરાને પોતાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ લઈને પોતાની સાથે અજમેર ભાગી જવા માટે દબાણ કરવા લાગ્યો હતો. આ દરમિયાન સગીરાને આરોપી વિધર્મી હોવાની જાણ થતાં તેણે અજમેર જવાનો ઈન્કાર કરીને સબંધ કાપી નાંખ્યો હતો. જેથી આરોપી મોહમ્મદ શાકીર અલગ-અલગ નંબરથી ફોન કરીને સગીરાને ઉઠાવી જવાની ધમકી આપવા લાગ્યો હતો.
આખરે સગીરાએ પોતાના પિતાને સમગ્ર વાત કરી હતી. જેથી તેના પિતા ગત 6 ફેબ્રુઆરીએ આરોપીને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં આરોપીએ તારી દીકરીના ફોટા અને વીડિયો વાયરલ કરીને બદનામ કરી દઈશું, તેવી ધમકી આપીને રૂ. 5 લાખની ખંડણી માંગી હતી.આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ મામલે પોલીસે મોહમ્મદ શાકીર સરદાર મોહમ્મદ શેખ (રહે. રાજસ્થાન) અને તેના સાગરિત મોહમ્મદ સોહેલ મકરાણી (રહે. હિંમતનગર)ને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક આરોપી મનિષ ગઢવીને મહેસાણાથી પકડવામાં આવ્યો છે.
બીજી તરફ આ ઘટનાના પગલે હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આરોપીઓને સપનામાં પણ લવ જેહાદનો વિચાર ના આવે તેવી સજા આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. હાલ તો હિંમતનગર પોલીસ આ સમગ્ર મામલે આગળની તપાસ કરી રહી છે.
