Sabarkantha: હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત, ટીંટોઈથી ત્રણ મિત્રો પોલો ફોરેસ્ટમાં વીક એન્ડની મજા માણવા આવ્યા હતા

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં હરણાવ નદીમાં ન્હાવા પડેલા મોડાસાના બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. પોલો ફોરેસ્ટ ફરવા આવેલા ત્રણ મિત્રોમાંથી એકનો બચાવ થયો, જ્યારે અન્ય બેના મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Jul 2026 09:43 PM (IST)Updated: Sun, 12 Jul 2026 09:43 PM (IST)
sabarkantha-news-2-youth-drown-to-death-in-harnav-river-at-polo-forest
HIGHLIGHTS
  • નદીની ઊંડાઈનો અંદાજો ના રહેતા બન્ને યુવકો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાંથી પસાર થતી હરણાવ નદીમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં 3 મિત્રો ન્હાવા માટે હરણાવ નદીમાં પડ્યા હતા, જ્યાં બે મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે એક યુવકનો બચાવ થયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં રહેતા 3 યુવકો રવિવારની રજા હોવાથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ પોળો ફોરેસ્ટમાં મજા માણવા માટે આવ્યા હતા. આ દરમિયાન ત્રણેય મિત્રો અહીંથી પસાર થતીં હરણાવ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. જો કે નદીની ઊંડાઈનો અંદાજો ના રહેતા ત્રણેય યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

આ સમયે એક યુવક માંડ-માંડ કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેના બે મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ દેખાતા બંધ થઈ ગયા હતા. જેથી યુવકે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ જાણ કરવામાં આવતા ઈડર ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં પાણીમાં ભારે શોધખોળના અંતે બન્ને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

બીજી તરફ વિજયનગર પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બન્ને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે વિજયનગરીન સરકારી હોસ્પિટલ માટે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ યશ વાઘેલા (22) અને સાહિલ મોરી (22) તરીકે થઈ છે, જેઓ મોડાસાના ટીંટોઈ ગામમાં રહેતા હોવાનું અને વિકેન્ડની મજા માણવા પોલો ફોરેસ્ટ આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો બન્ને યુવકોના મોતના સમાચારથી ટીંટોઈ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.